8156078064
8469327630 SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar

ક્રોનિક પેંક્રિયાટાઈટિસ: મૂળભૂત જાણકારી, નિદાન અને સારવાર

ક્રોનિક પેંક્રિયાટાઈટિસમાં તેનું નામ દર્શાવે છે તેમ પેન્ક્રીઆસ એટલે કે સ્વાદુપિંડમાં લાંબા સમય સુધી સોજો રહે છે. પેન્ક્રીઆસ એ પેટના ઉપરના ભાગમાં, લીવરની નીચે અને જઠરની પાછળ આવેલું પાચન અંગ છે. તે ખોરાકના પાચન માટે જરૂરી પાચકરસ ઉત્તપન્ન કરે છે. આ ઉપરાંત તે બ્લડ ગ્લુકોઝને નિયઁત્રણમાં રાખવા માટે જરૂરી ઇન્સ્યુલિન તથા અન્ય હોર્મોન પણ ઉત્તપન્ન કરે છે.

ક્રૉનિક પેંક્રિયાટાઈટિસ એ સમય સાથે ધીરેથી વધતો જતો રોગ છે અને તે પેન્ક્રીઆસને કાયમી નુકશાન પહોંચાડે છે. પેન્ક્રીઆસને એટલું બધું નુકશાન થાય છે, કે તે સખ્ત બની જાય છે અને સંકોચાય જાય છે. આ પ્રક્રિયા દરમ્યાન પેન્ક્રીઆસની  નળી  એક અથવા અનેક જગ્યાએ સાંકડી અને સંકોચાયેલી બની જાય છે. ખાસ કરીને તેના આંતરડામાં ખુલવાની જગ્યાની પાસે, અંતે પેન્ક્રીઆસની નળીમાં પથરી બને છે. આથી જમ્યા પછી પેન્ક્રીઆસમાં ઉત્તપન્ન થતા પાચકરસને આંતરડામાં પહોંચવામાં અવરોધ ઉત્પ્ન્ન થાય છે. અંતે પેન્ક્રીઆસની આખી નળી પહોળી થઈ જાય છે અને પથરીઓથી ભરાઈ જાય છે.

કારણો

સંવેદનશીલ વ્યક્તિઓમાં આલ્કોહોલનું સેવન અને ધૂર્મપાન સોજાની શરૂઆતનું કારણ હોય છે. પેન્ક્રીઆસનો  કાયમી સોજો   વારસાગત (જિનેટિક),  autoimune condition, પોષણ સંબન્ધિત કારણો  જેવા અન્ય કારણોને લીધે પણ હોય શકે છે. કેટલાક દર્દીઓમાં, પેંક્રિયાટાઈટિસ થવાનું  કારણ જાણી શકાતું નથી.

લક્ષણો

પેટનો દુઃખાવો

ક્રોનિક પેંક્રિયાટાઈટિસનું મુખ્ય લક્ષણ પેટનો દુઃખાવો છે. દુઃખાવો શરૂઆતમાં સમયાંતરે થાય છે. પરંતુ સમય જતા દુઃખાવો વધુ વારંવાર થાય છે અને આખરે દુઃખાવો સતત  બન્યો રહે છે. દુખાવો સખ્ત જાણે છરો ભોંકાયો હોય તેવો હોય છે. દુઃખાવો છાતી અને નાભિની વચ્ચે પેટના ઉપરના ભાગમાં થાય છે. દુખાવો પીઠ સુધી પ્રસરી પણ  શકે છે. ઘણીવાર તે જમવાથી, ખાસ કરીને ચરબીયુક્ત ખોરાક લેવાથી શરૂ થાય છે. પેન્ક્રીઆસ દ્વારા ઉત્તપન્ન થયેલા પાચકરસ પેન્ક્રીઆસની નળીમાં રોકાઈ રહેવાથી પેન્ક્રીઆસની નળીમાં પાચક રસોનો ભરાવો થાય છે. જે પેન્ક્રીઆસની નળીમાં દબાણને વધારે છે તેના લીધે જમ્યા પછીનો દુખાવો થાય છે.

સમય જતા દુઃખાવો વધુ તીવ્ર, અસહ્ય,અને સતત બન્યો રહે છે. સખ્ત અને સંકોચાતા પેન્ક્રીઆસમાં  નર્વ(ચેતાતંતુ) એન્ટ્રેપમેન્ટને લીધે હોય છે. આવા કેટલાક દર્દીઓ દરરોજ પેઇનકિલર લેતા હોય છે. તે ઉપરાંત કેટલાંકને દુખાવા પર કાબુ મેળવવા વારંવાર ઇન્જેક્સનની જરૂર પડે છે. કેટલાંક દર્દીઓ માટે આ દુખાવો એટલો અસહ્ય હોય છે કે સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બને છે.

નબળું પાચન અને કુપોષણ

જયારે પેન્ક્રીઆસ સારી રીતે કામ ન કરે ત્યારે તે શરીરની ખોરાક સારી રીતે પચાવવાની ક્ષમતાને અસર કરે છે. આથી, કેટલાક ક્રોનિક પેંક્રિયાટાઈટિસના દર્દીઓને  ખાધેલા ખોરાકમાંથી જરૂરી પોષકતત્વો મળતા નથી. જે કુપોષણ સમ્બન્ધિત સમસ્યાઓ, નબળા હાડકાં અને દૃષ્ટિની ખામીમાં પરિણમે છે.

ક્રોનિક પેંક્રિયાટાઈટિસના આગળના સ્ટેજમાં ચીકણો, દુર્ગન્ધ મારતો ઝાડો થવો અને વજનમાં ઘટાડો જોવા મળે છે. એ સૂચવે છે કે આપના પાચન માટે ખરેખર કાર્યરત પેનક્રિએટિક સેલ્સ (કોષો) ખુબ ઓછા છે.

ડાયાબિટીસ

પેનક્રિએટિક સેલ્સ (કોષો) નાશ પામવાથી દર્દીને ડાયાબિટીસ  થઈ  શકે છે અને બ્લડ સુગરને કન્ટ્રોલ કરવા ઇન્સ્યુલિનની પણ  જરૂર પડી શકે છે.

કોમ્પ્લિકેશન

કમળો

કેટલાંક ક્રોનિક પેંક્રિયાટાઈટિસના દર્દીઓને કમળો થાય છે. પિત્ત નળીનો નીચેનો ભાગ પેન્ક્રીઆસમાંથી પસાર થાય છે. અને જયારે પેન્ક્રીઆસ સખ્ત અને સંકોચાય છે ત્યારે તે પિત્ત નળી પર દબાણ કરે છે. જેથી પિત્તને એટલે કે  bile ને  લીવરમાંથી આંતરડામાં જવામાં અવરોધ ઉભો થાય છે. અને આથી કમળો થાય છે.

સ્યૂડોસિસ્ટ (pseudocyst)

ક્રોનિક પેંક્રિયાટાઈટિસનું  બીજું કોમ્પ્લિકેશન સ્યૂડોસિસ્ટ ફોર્મેશન (pseudocyst formation)  છે. પેન્ક્રીઆસની નળીમાં લાંબા સમય માટે પાચકરસનો ભરાવો થવાથી તથા દબાણ વધવાથી, પેન્ક્રીઆસની નળીમાંથી કોઈ એક જગ્યાએથી પેન્ક્રીઆસના પાચક રસોનું  લીકેજ થાય છે. આનાથી આજુબાજુના ભાગને નુકશાન થાય છે. અને ત્યાં infected cyst  એટલે કે સંક્રમિત કોથળી જેવું બને છે.

પોર્ટલ વેઇન થ્રોમ્બોસીસ (portal vein thrombosis)

કેટલાંક દર્દીઓમાં પોર્ટલ વેઇન (portal vein)માં લોહી ગંઠાવાની (clot) સમસ્યા થાય છે. પોર્ટલ વેઇન પેન્ક્રીઆસની એકદમ પાછળ જ આવેલી હોય છે. કેટલાક દર્દીઓમાં પેંક્રિયાટાઈટિસ સીધું જ  પોર્ટલ વેઇનને નુકશાન કરી શકે છે.  પોર્ટલ વેઇનમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા(portal vein thrombosis)ને કારણે સપ્લાઇનોમેગાલી(spleenomegaly) એટલે કે બરોળની સાઈઝમાં વધારો તથા લોહીની ઉલ્ટી થઈ શકે છે.

નિદાન

બ્લડ ટેસ્ટ

ક્રોનિક પેંક્રિયાટાઈટીસના નિદાનમાં સામાન્ય રીતે બ્લડ ટેસ્ટનું બહુ મહત્વ હોતું નથી. સીરમ અમાયલેઝ (serum  amylase) મોટાભાગના દર્દીઓમાં નોર્મલ લેવલ પર જ હોય છે સિવાય કે acute  panceatitis ની પણ અસર હોય.

CT Scan

CT  Scan, પેન્ક્રીઆસ સંકોચાઈ ગયું છે અને પેન્ક્રીઆસની નળી પહોળી થઈ છે તેવું દર્શાવશે. તે નળીમાં થયેલ પથરી પણ બતાવશે.કેટલાક દર્દીઓમાં પથરી પેન્ક્રીઆસની નળીની પણ બહાર, પેન્ક્રીઆટીક ટિસ્યુમાં અથવા નળીની સાઈડની બ્રાન્ચમાં બની શકે છે.

ક્રોનિક પેંક્રિયાટાઈટીસના અન્ય કોમ્પ્લિકેશન જેવા કે નળીમાં લીકેજ, સ્યૂડોસીસ્ટ ફોર્મેશન (pseudocyst  formation), સ્પ્લેનીક વેઇનમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા(splenic vein thrombosis)  તથા બરોળનું મોટું થવું (spleen enlargement)  વગેરે વિષે પણ માહિતી CT  Scan પરથી મેળવાય છે. આ કોમ્પ્લિકેશનમાં સારવારની રીત બદલાતી હોવાથી તેમના વિષે જાણવું ખુબ જરૂરી છે.

Related Posts

MRCP

MRCP  એક વિશિષ્ઠ પ્રકારનો MRI  છે.પહોળી થયેલી પેન્ક્રીઆસની  નળી, નળીમાં, અને તેની સાઈડ બ્રાન્ચમાં પથરી વિષે ઊંડાણપૂર્વક જાણવા માટે, MRCP કરવામાં આવે છે.  તે પિત્ત નળી પહોળી થઈ છે કે નહીં તે વિષે પણ માહિતી આપે છે. MRCPમાં મળેલી ઊંડાણપૂર્વકની માહિતી ક્રોનિક પેંક્રિયાટાઈટિસની સારવારની યોજના વિષે નિર્ણય કરવામાં ખુબ મહત્વની હોય છે.

સારવાર:

સારવારનું પ્રથમ લક્ષ્ય લાંબાગાળા માટે દુઃખાવામાંથી મુક્તિ, પોષણ જાળવી રાખવું, રોગને આગળ વધતો અટકાવવો, રોગ સાથે સંકળાયેલા કોમ્પ્લિકેશન પર કાબુ મેળવવો, અને સારું જીવનધોરણ પાછું મેળવવાનું હોય છે.

પેન્ક્રીઆસને વધુ નુકસાન કરતા પરિબળો જેવા કે આલ્કોહોલ, ધ્રૂમપાન અને કેટલીક દવાઓને ટાળવા જોઈએ.

દુઃખાવાની સારવાર

દુઃખાવાનું યોગ્ય નિયત્રંણએ સારવારનો મહત્વનો ભાગ છે. તેમાં oral પેઇનકિલર જેવી કે NSIDs, નાર્કોટિક્સ દવાઓ, ઇન્જેક્સન અને સિલિયાક નર્વ બ્લોક (celiac nerve block) જેવી પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

પેંક્રિયાટિક એન્ઝાઇમ સપ્લીમેન્ટ દવાઓ (Pancreatic enzyme suppliment) અને  વધુ ચરબીયુક્ત ખોરાક ટાળીને પણ દુખાવો નિયત્રંણમાં રાખી શકાય છે. આ રીતથી દર્દીનું પોષણ પણ જળવાઈ રહે છે.

નળીના બ્લોકેજ અને પથરીને દૂર કરવાની પધ્ધતિ

જયારે પેન્ક્રીઆસની નળીમાં પથરી હોય અને તે સાંકડી થઈ ગઈ હોય ત્યારે પથરીને કાઢવાની અને પેન્ક્રીઆસના પાચકરસોનો આંતરડામાં પ્રવાહ ફરીથી સ્થાપિત કરવો જરૂરી છે. પથરી કાઢી નાખી અને પેન્ક્રીઆસના પાચકરસોનો આંતરડામાં સારો પ્રવાહ પેન્ક્રીઆસને થતાં વધુ નુકશાનને ધીમો કરે છે. તેનાથી વધુ કોમ્પ્લિકેશન અને તીવ્ર ક્રોનિક પેંક્રિયાટાઈટિસને ટાળવામાં મદદ મળે છે. એન્ડોસ્કોપી કે જેને ERCP કહે છે તે દ્વારા અથવા સર્જરી દ્વારા આવું કરી શકાય છે.

પેન્ક્રીઆટીક પથરી માટે એન્ડોસ્કોપી પ્રક્રિયા/ઈઆરસીપી(ERCP)

ERCP

 

આ પદ્ધતિમાં, એન્ડોસ્કોપ મોં દ્વારા છેક આંતરડાના તે ભાગ સુધી પસાર કરાય છે કે જ્યાં પેન્ક્રીઆસની નળી ખુલતી હોય. ત્યારપછી, એક ગાઈડ વાયર(guidewire) તે જ દ્વાર મારફતે પેન્ક્રીઆસની નળીમાં પસાર કરવામાં આવે છે. એકવખત ગાઈડ વાયર (guidewire) તેની જગ્યાએ ગોઠવાઈ જાય પછી, એક ડાયલેટર(dilator), ગાઈડ વાયર  ઉપર પસાર કરવામાં આવે છે  જેનાથી સંકોચાયેલ નળીના ભાગને પહોળો કરી શકાય. ત્યારબાદ પથરીને કાઢવા માટે balloon catheter ની મદદ લેવાય છે.

ઘણી વખત એન્ડોસ્કોપીક પ્રક્રિયા કરતા પહેલા પથરી તોડવા માટે ESWL, એટલે કે એક્સ્ટર્નલ શૉક વેવ થેરાપી (External shock  wave therapy)નો ઉપયોગ થાય છે.(કિડનીની પથરી તોડવા માટે ઉપયોગમાં લેવાય છે તે જ પદ્ધતિ) . અંતે, પેન્ક્રીઆસની નળીમાં તે જગ્યાએ સ્ટેન્ટ(stent) મુકવામાં આવે છે જેને વખતોવખત બદલવાની જરૂર હોય છે.

ઈઆરસીપી (ERCP) ના પરિણામ

જે દર્દીઓમાં પથરી પ્રમાણમાં ઓછી અને પ્રમાણમાં નાની હોય તથા બ્લોકેજ ઓછું હોય, તેવા દર્દીઓ માટે આ  સારવારનો પ્રાથમિક વિકલ્પ છે. જે દર્દીઓને આનાથી સારું થઈ જાય તે દર્દીઓમાં સર્જરી ટાળી શકાય છે.

ERCP હવે એક પ્રમાણભૂત પદ્ધતિ છે અને ઘણા દર્દીઓમાં તે સારું પરિણામ આપે છે. પરંતુ આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ સર્જરી ના હોવા છતાં, તેના પણ પોતાના જોખમ છે. ખાસ કરીને જયારે તે વારંવાર કરવાની જરૂર પડે.

ક્રોનિક પેંક્રિયાટાઈટિસ/પેન્ક્રીઆટીક પથરીની  સર્જરી

જે દર્દીઓને મહત્તમ દવાઓ અને એન્ડોસ્કોપિક સારવાર પછી પણ તકલીફ રહેતી હોય તેમના માટે સર્જરી એ સારવારનો અંતિમ અસરકારક વિકલ્પ છે.

તમારે ક્યારે સર્જરીને સારવારના એક વિકલ્પ તરીકે ગણતરીમાં લેવી જોઈએ?

ક્રોનિક પેંક્રિયાટાઈટિસ ના તમામ દર્દીઓ જેમને વારંવાર તીવ્ર દુખાવો રહેતો હોય, નિયમિત દુઃખાવાની  દવાઓ લેવાની જરૂર પડતી હોય , અને તપાસ માં પેન્ક્રીઆસની નળીમાં પથરીઓ હોય તથા નળી પહોળી થઇ હોય તેવા દર્દીઓ માટે સર્જરી સારવારનો ઉત્તમ વિકલ્પ છે.

ઈઆરસીપી (ERCP) અને સ્ટેન્ટીન્ગ(stenting) કરાવ્યાના 6-8 અઠવાડિયા પછી પણ દુઃખાવાની સમસ્યા રહેતી હોય તેવા દરેક દર્દીઓએ દુઃખાવામાં વધુ રાહત અને વધારે સારા જીવનધોરણ માટે સર્જરી વિષે વિચારવું જોઈએ.

જે દર્દીઓને વારંવાર endoscopic stenting કરવું પડ્યું હોય અને હજુ પણ વધારે વખત stent  બદલવાની જરૂર હોય તેવા દર્દીઓએ પણ સર્જરીને પસંદગીના વિકલ્પ અને એક વખતના ઉકેલ તરીકે વિચારવી  જોઈએ.

કમળો (Jaundice), પોર્ટલ વેઇનમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા (portal vien thrombosis),અથવા સ્યૂડોસીસ્ટ  (pseudocyst)  જેવા કોમ્પ્લિકેશન હોય તેવા એડવાન્સ ક્રોનિક પેંક્રિયાટાઈટિસના દર્દીઓ માટે સર્જરી વધુ યોગ્ય સારવાર  છે.

સર્જરીની પાયાની સમજ

Surgery for Chronic Pancreatitis/Pancreatic stones: Frey’s procedure

સર્જરીની પદ્ધતિ સમસ્યાની તીવ્રતા અને સંકળાયેલા કોમ્પ્લિકેશન પર નિર્ભર છે.
મોટાભાગના દર્દીઓમાં,સર્જરીમાં મુખ્યત્વે પેન્ક્રીઆસની નળીને આખી ખોલવી, બધી જ પથરી કાઢવી, પેન્ક્રીઆસના head (આગળ) ના ભાગમાંથી થોડો ભાગ કાઢવો અને આખી નળીને આંતરડા સાથે જોડવી જેવા કાર્યો કરવામાં આવે છે.આ પ્રકારની સર્જરી ને Frey ‘s  procedure  કહે છે.

સર્જરી નો વિકાસ

ક્રોનિક પેંક્રિયાટાઈટિસની સારવાર તથા સર્જરીના અનુભવો અને ઇતિહાસ આપણને સમજ આપે છે કે સર્જરીમાં આનાં કરતાં કઈ પણ ઓછું કરીએ તો આપણને લાંબાગાળા માટે દુઃખાવામાંથી સંપૂર્ણ રાહત થતી નથી. દાખલા તરીકે, જો નળીનો tail (પાછળ)નો  ભાગ ખોલવામાં ન આવે,અથવા જો head (આગળ)ના ભાગમાંથી ટીસ્યુ દૂર કરવામાં ન આવી હોય, અથવા જો નળીની સાઈડ બ્રાન્ચમાંથી પથરી કાઢવામાં આવી ન હોય તો પરિણામો એટલા સારાં હોતા નથી. એવું એટલાં માટે થાય છે કે પેન્ક્રીઆસનાતે ભાગમાંથી પાચકરસ નીકળી શકતો નથી અને પાચકરસ તે ભાગમાં ભરાઈ રહે છે. અને આ કારણે સોજો અને દુઃખાવો રહયા કરે છે.

અને આ જ કારણ છે કે ERCP પછી વારંવાર Stent બદલાવવા પડે છે. તેમાં  ERCP  પછી પાચકરસોનો પ્રવાહ જાળવી રાખવાનું કાર્ય 10 f નું stent કરે છે કે જેની પહોળાઈ આપણી પેનની રીફીલ જેટલી જ હોય છે. તે સહેલાઈથી અને જલ્દીથી બ્લોક થઈ જાય છે. જયારે સર્જરીમાં આંતરડામાં જતી પેન્ક્રીઆસની આખી નળી ખોલીને રસ્તો પહોળો  કરવામાં આવે છે જે સામાન્ય રીતે ફરીથી બ્લોક થતો નથી. અને જો સર્જરી યોગ્ય રીતે થઈ હોય તો ફરીથી પથરી થતી નથી.

સર્જરીના પરિણામ

આ સર્જરી એ એક મોટી અને જટિલ પ્રક્રિયા હોવા છતાં, જયારે સંપૂર્ણ તપાસ પછી અને યોગ્ય રીતે ચોક્સાઇપૂર્વક કરવામાં આવે તો જોખમ ખુબ ઓછું હોય છે અને લાંબાગાળે ઉત્તમ પરિણામો મળે છે. દુઃખાવા વગરનું જીવન, સારું પોષણ અને સારું જીવનધોરણ પ્રાપ્ત કરી શકાય છે.

ક્રોનિક પેંક્રિયાટાઈટિસમાં સારવારના વિકલ્પ અંગે નિર્ણય.

સારવારના વિકલ્પો અંગે નિર્ણય કરતી વખતે, તે વિકલ્પના સફળતાનાં દરની સાથે કેટલીક અન્ય બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ જેવી  કે તે દરને જાળવી રાખવા માટે  કેટલી વખત તે પ્રક્રિયા કરવી પડશે અને તે પ્રકિયા સાથે સંકળાયેલા  જોખમો અને કોમ્પ્લિકેશન ક્યાં છે .

Cochrane સ્ટડી કે જે દુનિયાની બધી જ સ્ટડીનો સાર છે, તે અનુસાર એડવાન્સ ક્રોનિક પેંક્રિયાટાઈટિસના લક્ષણો ધરાવતાં દર્દીઓમાં સર્જરી એ એન્ડોસ્કોપી પ્રક્રિયા કરતા વધુ સારો  વિકલ્પ છે.

તમારે કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને મળવું જોઈએ અને તેને નક્કી કરવા દેવું જોઈએ કે સારવારનો કયો વિકલ્પ તમારા માટે ઉત્તમ છે. specialist  તમારી ઉંમર, દુઃખાવાની તીવ્રતા, તમને ડાયાબિટીસ થયો છે કે પાચકરસોની ઉણપ છે અને ક્રોનિક પેંક્રિયાટાઈટીસના અન્ય કોમ્પ્લિકેશનના આધાર પર સારવાર નક્કી કરશે. ક્રોનિક પેંક્રિયાટાઈટીસના દર્દી સમયસરની અને યોગ્ય સારવારથી, સામાન્ય અને દુઃખાવા વગરનું જીવન જીવી શકે છે.

અમારા એવા કેટલાંક દર્દીઓને સાંભળો કે જેમણે ક્રોનિક પેંક્રિયાટાઈટિસ સામે જંગ લડી છે. નીચેના  વિડીયો જુઓ.

આશા રાખીએ કે આ માહિતી તમને કોઈ રીતે મદદરૂપ થઈ હશે. આગળ વધુ કોઈ પણ  પુછપરછ માટે તમે કૉલ કરી શકો છો અથવા તમારા રિપોર્ટ 8156078064 પર મોકલી શકો છો અથવા drchiragthakkar1307@gmail.com પર મેઈલ કરી શકો છો.

આપ અમારા બીજા લેખ પણ વાંચી શકો છો