+91-8156078064
+91-8469327630
SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar

ડી.જી.બી.આઈ (ડિસઓર્ડર ઓફ ગટ-બ્રેન ઈન્ટરેક્શન)/ફન્કશનલ ડાયજેસ્ટિવ સમસ્યાઓ/આઈ.બી.એસ (IBS)

ડી.જી.બી.આઈ (ડિસઓર્ડર ઓફ ગટ-બ્રેન ઈન્ટરેક્શન)/ફંક્શનલ ડાયજેસ્ટિવ સમસ્યાઓમાંનો એક પ્રકાર છે આઈ.બી.એસ (IBS). એ સામાન્ય રીતે જોવા મળતી ફંક્શનલ ડાયજેસ્ટિવ સમસ્યા છે કે જેમાં આંતરડાઓ સંવેદનશીલ બનતાં તેમના કાર્યમાં અસંતુલન ઉદભવે છે જેથી કેટલાંક લક્ષણો જણાય છે. આ જ રીતે અન્ય ફંક્શનલ ડાયજેસ્ટિવ સમસ્યાઓમાં આંતરડા નહીં પરંતુ અન્નનળી, જઠર જેવાં પાચનમાર્ગનાં ઉપરનાં અંગો સંવેદનશીલ બનતાં તેમના કાર્યમાં ખલેલ પહોંચે છે. અને દુઃખાવો, બળતરા અથવા ખેંચાણ, ગળામાં કંઈક અટકવું અથવા દુ:ખવું, મોઢું કડવું લાગવું, અથવા પેટમાં ઘણો ગેસ અનુભવવો જેવાં લક્ષણો જોવા મળે છે. જયારે આવા લક્ષણો જણાતાં હોય અને તપાસમાં રિપોર્ટ્સ બધું નોર્મલ બતાવતું હોય તો ચિંતા છોડી મદદરૂપ થાય તેવો આ આર્ટિકલ વાંચો.

DGBI(ડિસઓર્ડર ઓફ ગટ-બ્રેન ઈન્ટરેક્શન)/ફંક્શનલ ડાયજેસ્ટિવ સમસ્યાઓ એ પાચન તંત્રને અસર કરતી એક તબીબી સ્થિતિ છે, જ્યાં દર્દીઓને ખોરાક અને પાચન સંબંધિત વિવિધ પ્રકારની સમસ્યાઓ હોય છે, પરંતુ કોઈપણ પાચન અંગોમાં કોઈ રોગ નથી હોતો. દર્દીઓને તેમના એક અથવા વધુ પાચન અંગો (અન્નનળી, જઠર, નાનું આંતરડું અથવા મોટું આંતરડું)ના અસંતુલિત થવાના કારણે આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પણ જ્યારે તપાસ કરવામાં આવે છે, ત્યારે જાણવા મળે છે કે અન્નનળી, જઠર અને આંતરડા સંપૂર્ણપણે સામાન્ય છે. તે એકલા અથવા પાચન તંત્રના અથવા શરીરના અન્ય કોઈપણ રોગ સાથે થઈ શકે છે.  DGBI(ડિસઓર્ડર ઓફ ગટ-બ્રેન ઈન્ટરેક્શન) સામાન્ય રીતે GERD/એસિડ રીફ્લક્સ/હાયટસ હર્નિયા અને પિત્તાશયમાં પથરીની સમસ્યાઓ સાથે જોવા મળે છે. આવી પરિસ્થિતિઓમાં, GERD/હાયટસ હર્નિયા અથવા પિત્તશાય માં પથરી માટે સારવાર અથવા સર્જરી સાથે, DGBI(ડી.જી.બી.આઈ)ની સારવાર જરૂરી છે. IBS(આઈ.બી.એસ) એ સામાન્ય રીતે જોવા મળતો  DGBIનો એક પ્રકાર છે જે નાના અને મોટા આંતરડાને અસર કરે છે. જેના કારણે પેટમાં દુખાવો, કબજિયાત અથવા ઝાડા, વારંવાર ટોયલેટ જવાની ઈચ્છા , ટોયલેટ ગયા પછી પેટ સરખી રીતે સાફ ન થયું હોય એવું લાગવું  અથવા પેટમાં ગડગડાટના લક્ષણો જોવા મળે છે. DGBIના અન્ય પ્રકાર જે અન્નનળી અને જઠરને અસર કરે છે તે છે – પોસ્ટ પ્રાનડિયલ બ્લોટ સિન્ડ્રોમ(Post prandial bloat syndrome), ફંક્શનલ હાર્ટબર્ન(Functional heartburn), હાયપર-સેન્સિટિવ ઈસોફેગસ(Hypersensitive esophagus) , ફંકશનલ બેલચિંગ(Functional belching) અને રુમિનેશન સિન્ડ્રોમ(Rumination syndrome). તેથી ડૉક્ટરે કહેલાં કે ફાઇલમાં લખેલાં જુદાં-જુદાં નામો વાંચીને તમારે મૂંઝવણમાં મુકાવવાની જરૂર નથી.

જ્યારે દર્દીને કોઈ રોગ નથી, ત્યારે દર્દી શા માટે પીડાય છે અને લક્ષણો અનુભવે છે?

આપણું મગજ અને આપણું સમગ્ર પાચનતંત્ર આપણા જીવનની દરેક ક્ષણે એકબીજાના સાથે સતત સંપર્કમાં હોય છે. આ ક્રિયાપ્રતિક્રિયા વિવિધ કેમિકલ્સ , ફાયટોકેમિકલ્સ અને હોર્મોન્સના સ્ત્રાવની સાથે-સાથે તમારા ચેતાતંતુ દ્વારા આપવામાં આવેલા સંકેતો દ્વારા થાય છે. આ સંપર્ક બંને દિશામાં હોય છે, એટલે કે, સિગ્નલ તમારા મગજમાંથી પાચનતંત્ર અને પાચનતંત્રથી મગજ સુધી જાય છે. જો આ સંપર્કોમાં કોઈ ખલેલ અથવા ઉણપ હોય, તો દર્દી વિવિધ લક્ષણો અનુભવ કરી શકે છે. કેટલીકવાર આ લક્ષણો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, જેના કારણે શરીરના કાર્યમાં કોઈ ખલેલ પડતી નથી અને દર્દી વધુ હેરાન નથી થતા.અને કેટલીકવાર, આ પાચન તંત્ર-સંબંધિત લક્ષણો તમારા શરીરની કામગીરીમાં ખલેલ પહોંચાડી શકે છે, તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે અથવા દર્દીને હેરાન કરતા લક્ષણોને ઉભા કરી શકે છે.

 

મગજથી પાચનતંત્ર તરફ સંદેશ

ચાલો આને થોડા ઉદાહરણો દ્વારા સમજીએ. આ સંપર્કનો એક માર્ગ છે, જે મન અને મગજમાંથી માહિતી પાચન તંત્ર સુધી પહોંચાડે છે. દાખલા તરીકે, જ્યારે આપણે ખાવાનું નક્કી કરીએ છીએ, અથવા જ્યારે આપણે આપણને ગમતા ખોરાક વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા મગજમાંથી માહિતી આપણા પાચનતંત્ર સુધી જાય છે, જેના કારણે આપણા મોંઢામાં લાળ બને છે અને પાચનની તૈયારી માટે આંતરડામાં પાચન રસ નો સ્ત્રાવ થાય છે. આવા સંકેતો ખોરાક ગળવા, પાચન અને મળત્યાગ સંબંધિત દરેક પાચન કાર્યો માટે મોકલવામાં આવે છે. પરંતુ કેટલાક સંજોગોમાં, આ માહિતી મોકલવાની પ્રક્રિયા અસંતુલિત થઈ જાય છે, જેના કારણે ખોટા સંકેતો પહોંચે છે અથવા સંકેત અયોગ્ય સમયે અથવા અયોગ્ય માત્રામાં પહોંચે છે. આ ખોટી માહિતી ને કારણે કેટલીકવાર તમારા જઠર અથવા મોટા આંતરડાની દિવાલને પૂરતા પ્રમાણમાં શિથિલ એટલે કે રિલેક્સ થઈ શકતી નથી જેને Loss of accommodation reflex કહે છે. જ્યારે આ accommodation reflex ક્ષતિગ્રસ્ત હોય છે, ત્યારે તમારા જઠર અથવા આંતરડાની દિવાલ યોગ્ય રીતે શિથિલ થઈ શકતી નથી અને ખોરાક અને મળ માટે પૂરતી જગ્યા થતી નથી. જેના કારણે તમને પેટમાં ખેંચાણ અથવા ફૂલેલું લાગે છે અથવા ગેસ બનવાનો એહસાસ થાય છે. એટલે કે, ઘણી વખત જ્યારે તમને લાગે છે કે ઘણો ગેસ થઈ રહ્યો છે, તો વાસ્તવમાં એવું બની શકે છે કે આટલો ગેસ ઉત્પન્ન ન થયો હોય, પરંતુ તમારા જઠર અને મોટા આંતરડાના રિલેક્સ ન થવાના કારણે તમે આવો  અનુભવ થતો હોય. જ્યારે મગજથી આંતરડા તરફ આવતા સંકેતો બદલાયેલાં કે અયોગ્ય હોય  છે, ત્યારે તે વિવિધ લક્ષણોનું કારણ બની શકે છે જેમ કે ઓડકાર, ઉબકા, પેટમાં ગડગડાટ, પેટમાં દુખાવો, હૃદયના ધબકારા વધવા અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવી.

ડી.જી.બી.આઈ .-IBS
Tummy pain

D.G.B.I

ડી.જી.બી.આઈ.-IBS
Burping and Belching

 

પાચનમાર્ગથી મગજ તરફ સંદેશ

એ જ રીતે, સંચારનો બીજો માર્ગ પાચનમાર્ગથી મગજ સુધીનો છે. ઉદાહરણ તરીકે જ્યારે પણ આપણું પેટ ખાલી હોય ત્યારે મગજ સુધી સંકેત જાય છે કે આપણને ભૂખ લાગી છે. જ્યારે આપણે પૂરતું ખાધું હોય ત્યારે મગજ સુધી સંકેત જાય છે કે આપણું પેટ હવે ભરાઈ ગયુ છે. જ્યારે આપણું ગુદામાર્ગ (મોટા આંતરડાનો છેલ્લો ભાગ) મળ થી ભરેલો હોય છે, ત્યારે આ જાણકારી આપણા મગજ સુધી જાય છે, જે આપણને જાણ કરે છે કે આપણને મળત્યાગ કરવાની જરૂર છે .પરંતુ કેટલીકવાર, તમારા આંતરડા, જઠર, અન્નનળીનું અંદરનું પડ થોડું વધુ સંવેદનશીલ બની જાય છે. આ સ્થિતિમાં, અન્નનળીમાં, જઠરમાં અને આંતરડામાં ચેપ, સોજો, અલ્સર ન હોય અથવા એસિડ અન્નનળીમાં ન આવે, તો પણ તમે દુઃખાવો, બળતરા અથવા ખેંચાણ, ગળામાં કંઈક અટકવું અથવા દુ:ખવું, મોઢું કડવું લાગવું, વારંવાર ટોયલેટ જવાની ઈચ્છા થવી અથવા પેટમાં ઘણો ગેસ અનુભવી શકો છો. શું તમે ક્યારેય કોઈ વાઈરલ બીમારી દરમિયાન અથવા જ્યારે તમે કોઈ દવાઓ લેતા હોવ ત્યારે થોડા દિવસો માટે મોંઢામાં કડવો સ્વાદ અનુભવ્યો છે? આનું કારણ બીમારી અથવા દવાઓના કારણે સ્વાદકલિકાઓ(tastebuds) કે જે જીભ પર આવેલી હોય છે તેની બદલાયેલી સંવેદનાઓ છે. એ જ રીતે, ઘણા કારણોસર, તમારા  પાચનમાર્ગના ભાગો જેમ કે અન્નનળી, જઠર, નાનું આંતરડું અને ગુદામાર્ગ (મોટા આંતરડાનો છેલ્લો ભાગ) સંવેદનશીલ બની જાય છે અને તે બળતરા, દુખાવો, પેટમાં સોજો, પેટનું ફૂલવું અથવા વહેલું પેટનું ભરાઈ જવું, વારંવાર મળત્યાગ કરવાની ઇચ્છા જેવા લક્ષણોનું કારણ બની શકે છે. અને રિપોર્ટ્સમાં અન્નનળી, જઠર અને આંતરડા આ બધું સામાન્ય બતાવતું હશે. આ ઘણા દર્દીઓને મૂંઝવણમાં મૂકે છે અને મનમાં તણાવ અને ભય પેદા કરે છે. આશા છે કે આનાથી તમે સમજી શકશો કે રિપોર્ટ્સ સામાન્ય હોવા છતાં પણ તમે શા માટે કેટલીક સમસ્યાઓથી પીડાવ છો.

આ બધુ કોઈ પણ રોગ વગર એટલે કે કોઈ પણ પ્રકારના ચેપ વગર, ટ્યૂમર વગર, અન્નનળીમાં એસિડ ન આવે તો પણ, ખરેખર કંઈ ગળામાં અટવાતું ન હોવા છતાં, ખોરાક સામાન્ય રીતે અન્નનળીમાંથી પસાર થવા છતાં, પાચન યોગ્ય રીતે થતું હોવા છતાં, આંતરડામાં વધુ ગેસ ન હોવા છતાં પણ થાય છે. આ સંવેદનશીલતા ઘણા કારણોસર થઈ શકે છે, જેમ કે પહેલા થયેલી પાચનની બીમારીઓની અસરોના કારણે , લાંબા સમયથી ચાલતી દવાઓ, અન્ય મોટી બીમારીઓ, અને મુખ્ય તણાવપૂર્ણ અથવા ભાવનાત્મક પરિસ્થિતિઓ, અને અસ્વસ્થ જીવનશૈલીના કારણે આવું થઈ શકે છે. આ બધું ધૂમ્રપાન,તમાકુનું સેવન, આલ્કોહોલનું સેવન અથવા વ્યસનયુક્ત દવાઓ જેવી આદતોને કારણે પણ થાય છે.
ઘણી પરિસ્થિતિઓમાં, અમારે ખાતરી કરવા માટે દર્દીની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર પડે છે કે ત્યાં કોઈ રોગ અથવા સમસ્યા નથી ને કે જેની સારવાર કરવાની જરૂર હોય . દર્દીઓને તેમની સમસ્યાઓના આધારે એન્ડોસ્કોપી(Endoscopy), કોલોનોસ્કોપી(Colonoscopy), ઈસોફેજિયલ મેનોમેટ્રી(Esophageal manometry),  24 કલાક પીએચ ઇમ્પીડેન્સ સ્ટડી(24 Hour pH Impedance study), અલ્ટ્રાસાઉન્ડ(Ultrasound) અને/અથવા સીટી સ્કેન (CT Scan) માંથી પસાર થવાની જરૂર પડી શકે છે. જેમ મેં અગાઉ પણ કહ્યું છે તેમ, ફંકશનલ સમસ્યાઓ અન્ય રોગ સાથે ઓવરલેપ (સાથે-સાથે) થઈ શકે છે. આવી સ્થિતિમાં, એકલા રોગની સારવારનું પરિણામ એટલું સારું નથી હોતુ. આવી પરિસ્થિતિઓમાં રોગની સારવાર સાથે ફંક્શનલ ડાયજેસ્ટિવ સમસ્યાઓની સારવાર કરવી જરૂરી છે, જેથી લક્ષણોનું કાયમી અને લાંબા સમયનું નિવારણ થઈ શકે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય. સારી બાબત એ છે કે આ ફંકશનલ સમસ્યાઓની સારવાર સાયકોમોડ્યુલેટરી દવાઓ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગ્ય આહાર દ્વારા આસાનીથી કરી શકાય છે. જ્યારે દર્દી લાંબા સમય સુધી આવી સમસ્યાઓથી પીડાય છે, અથવા તે તેની સમસ્યાના સ્વરૂપને સમજી શકતો નથી, અથવા સારવારથી પણ તેમના લક્ષણો નિયંત્રણમાં આવતા નથી, તો અંતે આ સમસ્યા તેના તણાવ અને ચિંતાનું કારણ બને છે. આ સમસ્યાને કારણે થતો તણાવ અને ચિંતા દર્દીના લક્ષણોમાં વધારો કરે છે અને દર્દી આ ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. આ ચક્રવ્યૂહને તોડવા માટે દરેક પ્રયત્નો કરવા જોઈએ, જેના માટે પાચન સંબંધી રોગની સાથે ફંકશનલ ડાયજેસ્ટિવ સમસ્યા અને તણાવ (સ્ટ્રેસ, એન્ગઝાઈટી) ની સારવાર એક સાથે કરવી જરૂરી છે.

Related Posts

ડી.જી.બી.આઈ (DGBI)- ફંકશનલ ડાયજેસ્ટિવ સમસ્યાઓ ધરાવતા દર્દીઓમાં બિન-પાચન સમસ્યાઓ અને લક્ષણો

ડી.જી.બી.આઈ (DGBI)/ફંકશનલ ડાયજેસ્ટિવ સમસ્યાઓ ધરાવતા દર્દીઓ સામાન્ય રીતે અન્ય વિવિધ લક્ષણો અને સમસ્યાઓથી પીડાય છે જેને પાચન લક્ષણો કહી શકાય નહીં. પરંતુ આ લક્ષણો દર્દીના પાચન તંત્રના અસંતુલિત કાર્ય સાથે સંબંધિત અથવા સંકળાયેલા હોય છે. આમાંના મોટાભાગના દર્દીઓ પણ આ હકીકતથી સારી રીતે વાકેફ હોય છે, કારણ કે તેઓ સારી રીતે સમજી શકે છે કે જ્યારે તેમનું પેટ અસ્વસ્થ હોય ત્યારે આ સમસ્યાઓ વધુ થાય છે. આપણે એ સમજવાની જરૂર છે કે આપણું પાચનતંત્ર શરીરના અન્ય અંગો સાથે સંકળાયેલું છે. આપણું પરંપરાગત જ્ઞાન કહે છે તેમ, વિજ્ઞાન પણ પુષ્ટિ કરે છે કે આપણું પાચનતંત્ર આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય નું મહત્વપૂર્ણ કેન્દ્ર છે .આપણા પાચનતંત્રમાં ખલેલ આપણા હોર્મોનલ સિસ્ટમ અને રોગપ્રતિકારક તંત્રમાં અસંતુલનનું કારણ બને છે અને આપણા મન અને મગજના કાર્યને અસર કરે છે. અને આપણા પાચનતંત્રને સામાન્ય સંતુલનમાં પાછા લાવાથી આ બધા લક્ષણો ધીમે-ધીમે દૂર થઈ શકે છે. ડી.જી.બી.આઈ (DGBI), ફંકશનલ ડાયજેસ્ટિવ સમસ્યાઓ અને ક્યારેક એસિડ રિફ્લક્સ ધરાવતા દર્દીઓમાં સામાન્ય રીતે જોવા મળતા બિન-પાચન લક્ષણો અથવા સમસ્યાઓ આ છે : માથાનો દુખાવો અથવા માથામાં ભારેપણું, સુસ્તી/ચક્કર, થાક, નબળાઇ, શરીરનો દુખાવો, આખા શરીરમાં બળતરા, પગના તળિયામાં બળતરા અને પગમાં દુખાવો, પૂરતી ઊંઘ ન આવી , ઊંઘ પછી પણ તાજગી ન લાગવી, એલર્જીક  રિએક્શન અને ચામડી ની સમસ્યાઓ.

ડી.જી.બી.આઈ -IBS
Gut Brain Interaction

ફંકશનલ લક્ષણોને નિયંત્રણમાં રાખવા માટેનું અભિગમ

  • કયા લક્ષણો કયા રોગ સાથે સંબંધિત છે અને કયા ફંકશનલ ડાયજેસ્ટિવ સમસ્યાઓના કારણે છે, તે જાણવા માટે યોગ્ય તપાસ દ્વારા યોગ્ય મૂલ્યાંકન કરાવવું મહત્વપૂર્ણ છે.
  • દર્દી અને ડૉક્ટર વચ્ચે વિગતવાર ચર્ચા થવી જરૂરી છે કે દર્દીના કયા લક્ષણો ડી.જી.બી.આઈ (DGBI)ના કારણે છે. દર્દી માટે ફંકશનલ સમસ્યાઓ સમજવી મહત્વપૂર્ણ છે જેથી કરીને લક્ષણોના કારણ વિશે તણાવ અને મૂંઝવણ ઓછી થાય.
  • કોઈપણ પાચન રોગ હોય તો તેની સઘન અને યોગ્ય રીતે સારવાર થવી જોઈએ. તેની સાથે, ફંકશનલ  સમસ્યાઓના લક્ષણોને નિયંત્રણમાં રાખવા માટે દવાઓથી સારવાર કરવી જરૂરી છે.
  • લક્ષણોના લાંબા ગાળાના નિયંત્રણ માટે યોગ્ય આહાર અને જીવનશૈલીના ફેરફારોનું પાલન જરૂરી છે, જેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. જેથી લક્ષણોને નિયંત્રણમાં રાખવા માટે સતત દવાઓ લેવાની જરૂર ન પડે.
  • જે પરિસ્થિતિઓ તમારી સમસ્યાનું કારણ બને છે અથવા તેને વધારે (trigger) છે તે સમજવી જોઈએ અને ટાળવી જોઈએ. લક્ષણો સામાન્ય અને ઓછા પ્રમાણ માં હોય તેવી પરિસ્થિતિ માં ડૉક્ટર ને પૂછ્યા વગર પણ કઈ દવા લઈ શકાય તેની જાણકારી અને સમજ કેળવી જોઈએ.

આપણું ધ્યેય લક્ષણોને નિયંત્રિત કરવા અને સામાન્ય આહાર, જીવન અને પ્રવૃત્તિયોંમાં સુધારો લાવવાનું  હોવો જોઈએ. લક્ષણો વારંવાર ન થાય, અને  થાય ત્યારે તેની તીવ્રતા અને ગંભીરતા ઓછી હોવી જોઈએ. ધ્યેય એવું પણ હોવો જોઈએ કે તમે જાતે શીખી જાવ કે જ્યારે તમને લક્ષણો જણાય, ત્યારે તમે તમારા રોજિંદા  જીવનને  અસર કર્યા વિના સરળતાથી તેમને જાતે જ  નિયંત્રિત કરી શકો. યોગ્ય સમજ, સારવાર અને તબીબી મેડિકલ ટીમના સહયોગ સાથે, આવા દર્દીઓ માટે સામાન્ય આહાર, પ્રવૃત્તિ અને જીવન હંમેશા શક્ય છે.