8156078064
8469327630 SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar

બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી પહેલાં તમને કઈ જાણકારી હોવી જોઈએ

મેદસ્વીતા સામે લડવાનું એક એકદમ અઘરું કામ છે. કેટલીક મેદસ્વી વ્યક્તિઓને દરેક પ્રયત્નોને અંતે, મેદસ્વીતાથી છુટકારો મેળવવા માટે બેરિયાટ્રિક સર્જરીની આવશ્યકતા રહે છે. બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી કરવાનો નિર્ણય એ એક મોટો નિર્ણય છે. આખરી નિર્ણય લેતા પહેલાં મેદસ્વી વ્યક્તિ, ઘણી બધી શંકાઓ અને તથ્યો વિષે તપાસ કરે છે.અહીં, મેઁ તેઓની કેટલાંક સામાન્ય શંકાઓ વિષે સમજાવીને તેવી વ્યક્તિઓની મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી પહેલાં તમને કઈ જાણકારી હોવી જોઈએ, અહીં તે બતાવવામા આવી છે.

શું ખરેખર મારે બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરીની જરૂર છે?

કોઈપણ વ્યક્તિને  મનમાં સૌથી પહેલો આ જ પ્રશ્ન થાય કે શું આ સર્જરી મારા માટે બરાબર છે? ખરેખર મારે આની જરુર છે? આ સર્જરીથી મને ફાયદો થશે? મેદસ્વીતા માટે મારી પાસે આ સર્જરી સિવાય અન્ય કોઈ સરળ ઉપાય છે? આ આર્ટિકલમાં સરળ ભાષામાં આ દરેક શંકા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

જો તમારો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 32.5 -37.5 છે અને તેની સાથે તમને વજન સાથે સંકળાયેલી અન્ય તકલીફો પણ છે, અથવા તો ભલે તમને વજન સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓ ના હોય પરંતુ તમારો BMI 37.5 કે તેનાથી વધુ હોય, તો તમને બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરીની સલાહ આપવામાં આવે છે. તમારે બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી વિષે વિચારતાં પહેલાં આહાર અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા વજન ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમારો BMI ઉપર દર્શવેલ શ્રેણીમાં આવતો હોય, તો આહાર અને જીવનશૈલીના ફેરફારથી વજન ઘટવાની અને ઘટેલા વજનને જાળવી રાખવાની શક્યતા ઓછી છે.

જો તમારું વજન તમારા જીવનની ગુણવત્તાને અસર કરી રહ્યું હોય, તો એવી પરિસ્થિતિમાં બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી તમારા માટે એથી પણ વધુ યોગ્ય છે. જો મેદસ્વિતાને કારણે  તમને ડાયાબિટીસ, બ્લડપ્રેસર, પગમાં સોજા, શ્વાસ લેવામાં તકલીફ, અને વ્યન્ધત્વ જેવી એક કે એકથી વધુ તકલીફ હોય, તો લાંબા સમય સુધી સર્જરીમાં મોડું કરવું તમારા માટે વધુ નુકશાનકારક બની શકે છે.

બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી એ કોઈ કોસ્મેટિક પ્રક્રિયા નથી. સર્જરી પછી વજન ઘટવાને કારણે આપણે વધુ સારા દેખાવાની આશા રાખી શકીએ છીએ, પરંતુ તે સર્જરી કરાવવાનું મુખ્ય કારણ નથી. સર્જરી કરાવવાનું મહત્વપૂર્ણ કારણ છે આપણા આયુષ્યને વધારવાનું અને જીવનની ગુણવતામાં સુધારો કરવાનું. જીવનની ગુણવત્તામાં સુધારો થવા સિવાય, વજન ઘટવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેન્સર વગેરેનું જોખમ પણ ઓછું થાય છે.

આપણે એ સમજવું જોઈએ કે આ સર્જરી એવી નથી કે જે તાત્કાલિક કરવી જરૂરી હોય.અને “શું બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી જરૂરી છે ?” આ પ્રશ્નનો જવાબ માત્ર  “હા” અથવા “ના” માં ન હોઈ શકે. હમેંશા સર્જરીના ફાયદા તથા સંભવિત સમસ્યાઓ વિષે સંપૂર્ણ રીતે સમજ્યા પછી, પુરી સતર્કતાથી અને સારી રીતે વિચાર્યા પછી જ સર્જરી કરાવવાનો નિર્ણય લેવામાં આવે છે. અને મોટાભાગના દર્દીઓ કે જે સર્જરી કરાવે છે, તેમાં સંભવિત સમસ્યાઓ કરતા ફાયદા ઘણા વધુ હોય છે.

એટલા માટે, તમારે સમજવું જોઈએ કે એવા કયા કારણો છે કે તમારે સર્જરી કરાવવાની જરૂર છે. એક બેરિયાટ્રિક સર્જન સાથે કરવામાં આવેલી વાતચીત તમને આ સમજવામાં મદદરૂપ બની શકે છે. આ ચર્ચામાં તમારા વજન, BMI,  ઉંમર, જીવનશૈલીમાં કેટલાંક પ્રતિબંધ, ભવિષ્યમાં મેદસ્વિતાને કારણે થતી સંભવિત સમસ્યાઓ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખો.

ઉદાહરણ તરીકે

ધારો કે તમે 50 વર્ષથી વધુ ઉંમરની મહિલા છો, તમારું વજન 95 કિલોગ્રામ છે, અને તમારો BMI 37 છે, આ સાથે તમને વેરીકોઝ વેઇન્સ, પગમાં સોજા અને ઘૂંટણ અને કમરમાં દુખાવો થાય છે. આહારમાં ફેરફાર સાથે, યોગ્ય પ્રયત્ન કરવા છતાં, તમે વજન ઘટાડવામાં તથા શારીરિક કાર્ય યોગ્ય રીતે કરવામાં અસમર્થ છો. અને તમે એવી વ્યક્તિ છો કે જેનું વજન છેલ્લા 1-2 વર્ષોમાં 5-10 કિલોગ્રામ જેટલું વધી ગયું છે, તો એવી વ્યક્તિએ પુરી રીતે સમજ્યા પછી સર્જરી વિષે વિચાર કરવાની જરૂર છે. નહીંતો તે પોતાના ઘૂંટણ અને કમરને વધુ નુકશાન પહોંચાડી શકે છે. અને અંતે, કેટલાક વર્ષો પછી જ્યારે તેમનું વજન 105 કિલોગ્રામ જેટલું વધી જાય છે ત્યારે લાચાર પરિસ્થિતિમાં તેમને બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી કરાવવી પડી શકે છે. એવું એટલે છે કે, ઘૂંટણ અને પીઠની પીડા તથા ઉંમરને કારણે તેમનું વજન ઘટવાની અને ઘટેલું વજન જળવાઈ રહેવાની શક્યતા ઓછી છે.

એક અન્ય ઉદાહરણ

આવો હવે આપણે એક જુદી પરિસ્થિતિ વિષે ચર્ચા કરીએ. માની લઈએ કે કોઈ એક વ્યક્તિનો BMI 42 છે અને એ સાથે તેને ડાયાબિટીસ છે કે જે દવાથી પણ યોગ્ય રીતે નિયત્રંણમાં નથી રહેતો, અથવા તેમને શ્વાસની સમસ્યા અથવા સ્લીપ એપનિયા છે. આવા દર્દીઓ માટે, મેદસ્વીતા અને તેની સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનું જોખમ, બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરીના જોખમની સરખામણીમાં અનેક ગણું વધારે હોય છે. દર્દીઓમાં અનિયત્રિંત ડાયાબિટીસ ની લીધે કિડનીની તકલીફ, ડાયાબિટીક ફુટ અલ્સર, અથવા હ્ર્દયની તકલીફ થઈ શકે છે. તેઓમાં અનિંદ્રાને કારણે કોઈ જીવલેણ દુર્ઘટના થઈ શકે છે, અથવા તો તેમની પ્રવૃતિઓ પર નકારાત્મક અસર પડી શકે છે.

એવી ઘણી બધી તકલીફો છે કે જેમાં, કોમ્પ્લિકેશનની સંભાવના હોવા છતાં, બેરિયાટ્રિક સર્જરી એક વરદાન સાબિત થઈ શકે છે. અને  સર્જરી પહેલાની યોગ્ય તપાસ તથા એક સારા, નિયમિત ફોલો-અપથી માત્ર કોમ્પ્લિકેશન જ ઓછા નથી કરી શકાતા, પરંતુ જો કોમ્પ્લિકેશન થાય તો તે પરિસ્થિતિમાં તેને યોગ્ય સમયે સુધારવામાં પણ મદદ મળી શકે છે. આથી, તમારે સારી રીતે સમજવાની જરૂર છે કે તમારી તકલીફ શું છે અને બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી તમને કેટલી મદદરૂપ થશે. જો તમે સર્જરી કરાવતાં નથી, તો તમારી તકલીફના ઉપાય માટે અન્ય ક્યાં વિકલ્પ છે?

Related Posts



 

બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરીનો કયો વિકલ્પ મારા માટે યોગ્ય હશે?

એક વખત તમે નક્કી કરી લો કે તમારે બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી કરાવવાની છે, તો તમારું આગળનું કદમ, સર્જરીના વિભિન્ન વિકલ્પોમાંથી, તમારા માટે યોગ્ય વિકલ્પની પસંદગી કરવાનું હશે. સર્જરીના વિવિધ વિકલ્પોને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. લેપ્રોસ્કોપીક સર્જરી અને એન્ડોસ્કોપિક સર્જરી.

લેપ્રોસ્કોપીક સર્જરીના પ્રકાર

એન્ડોસ્કોપિક પ્રક્રિયાના પ્રકાર

  • એન્ડોસ્કોપિક ગેસ્ટ્રીક બલૂન પ્લેસમેન્ટ
  • એન્ડોસ્કોપિક ગેસ્ટ્રોપ્લાસ્ટી(ગેસ્ટ્રીક પ્લાયકેશન)

ઉપર દર્શાવેલી યાદીમાંથી, સામાન્ય રીતે કરવામાં આવતી સર્જરી છે, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી અને  બન્ને પ્રકારની ગેસ્ટ્રીક બાયપાસ પ્રકારની સર્જરી. આ પ્રકારની સર્જરીના પરિણામ સતત સારાં અને લાંબાગાળાનાં જોવા મળે છે, તેથી અન્ય વિકલ્પોની તુલનામાં તેમની પસંદગી કરવામાં આવે છે. સર્જરીના પ્રકારની પસંદગી તમારા BMI, તમારી ઉંમર, તમે શાકાહારી છો કે નહીં, અને સૌથી મહત્વપૂર્ણ  કે એ તમારા મેટાબોલિક પ્રોબ્લેમ્સ પર આધાર રાખે છે. અહીં મેટાબોલિક પ્રોબ્લેમ્સનો અર્થ થાય છે તમારો ડાયાબિટીસ, ઇન્સ્યુલિનની જરૂરિયાત, તમારું કોલેસ્ટ્રોલ લેવલ અને તમારું પેંક્રિયાટિક રિઝર્વ કે જે C peptide ના લેવલના રૂપમાં દર્શાવવામાં આવે છે.

બાયપાસ સર્જરી થોડી વધારે જટિલ સર્જરી છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે એના ફાયદા મહત્વપૂર્ણ છે. જયારે ઇલિયલ ઇન્ટરપોઝિશનનો વિકલ્પ, એવા દર્દીઓ માટે છે કે જેમને ડાયાબિટીસ છે અને મેદસ્વીતા નથી. એનો અર્થ છે કે આ એક સંપૂર્ણપણે મેટાબોલિક સર્જરી છે કે જે દર્દીના ડાયાબીટીસમાં સુધારો કરવા માટે કરવામાં આવે છે.

32.5  થી વધુ BMI વાળા દર્દીઓમાં એન્ડોસ્કોપિક પ્રક્રિયા આદર્શ પ્રક્રિયા નથી. ગેસ્ટ્રીક બલૂનના લાંબાગાળાના પરિણામ સારા જોવા નથી મળ્યા. એન્ડોસ્કોપિક ગેસ્ટ્રોપ્લાસ્ટી હજુ નવી પ્રક્રિયા છે અને લેપ્રોસ્કોપિક ગેસ્ટ્રીક પ્લાયકેશન(કે જે સામાન્ય રીતે કરવામાં નથી આવતી)ના પરિણામ સારા ના હોવાથી, હું આ પ્રક્રિયાના લાંબાગાળાના પરિણામો માટે વધુ આશાવાદી નથી. આમ છતાં, આ પ્રક્રિયાની પસંદગી એવા દર્દીઓ માટે કરી શકાય, કે જેમનો BMI 30 -32.5 ની શ્રેણીમાં આવતો હોય અને તેમને કોઈ મેટાબોલિક તકલીફ ના હોય.

મારા માટે સૌથી સુરક્ષિત બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી કઈ છે ?

તમારા માટે સર્જરીનો જે વિકલ્પ સૌથી સારો અને સુરક્ષિત હોય તે અન્ય વ્યક્તિ માટેના વિકલ્પ કરતા અલગ હોઈ શકે છે. એટલા માટે, એક સર્જન સાથે વિસ્તૃત ચર્ચા કરવાની અને દરેક પ્રક્રિયાના  પરિણામોને બરાબર સમજવાની સલાહ આપવામાં આવે છે. સર્જન તમારા કેસમાં વિવિધ પ્રક્રિયાના રિસ્ક vs બેનિફિટ્સ એટલે કે જોખમ vs  લાભને સમજવામાં મદદ કરશે. અને ત્યારબાદ તમે બન્ને મળીને સર્જરીના પ્રકાર વિષે સંયુક્ત રીતે નિર્ણય લઈ શકો છો.

શું મેં બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરીના જોખમને સમજયું છે?

પ્રારંભિક સંભવિત સમસ્યા: બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી કેટલી જોખમકારક છે?

કોઈપણ સર્જરી 100 ટકા સુરક્ષિત તથા સમસ્યા વગરની હોતી નથી. અને આ વાત બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરીને પણ લાગુ પડે છે. આ એક મોટી સર્જરી છે અને તેની પણ કેટલીક સમસ્યાઓ હોય શકે છે. બ્લિડિંગ, આંતરડા અને જઠરના જોડાણની જગ્યાએ લીકેજ થવું, શ્વાસની તકલીફ થવી,તથા પગની નળીઓમાં લોહીનું ગંઠાઈ જવું જેવી પ્રારંભિક સમસ્યાઓ ચિંતાલાયક છે.સામાન્ય રીતે,આમાંથી કોઈ સમસ્યા થવાની શક્યતા 1-2%( એટલે કે સર્જરી કરાવવાવાળા 100માંથી 1-2) દર્દીઓમાં હોય છે.  આવી સમસ્યાઓમાં આગળ સારવારની, વધુ સમય હોસ્પિટલમાં રહેવાની, એ સમસ્યાને દૂર કરવા માટે અન્ય પ્રક્રિયા કરવાની જરૂરત પડી શકે છે અને સારવારના કુલ ખર્ચમાં વધારો થઈ શકે છે. આવી સમસ્યાઓથી બચવા માટે સર્જરી પહેલા, સર્જરી દરમ્યાન અને સર્જરી પછીથી ચોક્કસપણે બધાંજ પગલાં લેવામાં આવે છે. અને જો આપણે આવી સમસ્યાઓ પ્રત્યે જાગૃત અને સતર્ક હોઈએ તો સમયસર તેની ઓળખ કરીને અને સમયસર તેની સારવાર કરીને એક મોટી ઘટનાને ટાળી શકીએ છીએ. આથી જ આવી સમસ્યાઓ ને જાણવી ખુબ મહત્વપૂર્ણ છે. આ સિવાય, કેટલીક બીજી નાની-મોટી  સમસ્યાઓ જેવી કે ઘા માં ચેપ, તાવ, ઉલટી પણ થઈ શકે છે,પરંતુ જે બહુ ચિંતાનો વિષય નથી.

બધુંજ  જોતા, સત્ય એ છે કે આ બધા કોમ્પ્લિકેશન હોવા છતાં, બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરીનાં ફાયદા, સમસ્યાઓ કરતાં ઘણાં વધારે હોય છે. જયારે આપણે યોગ્ય પ્રોટોકોલ(નિયમો)ને અનુસરીએ અને યોગ્ય કાળજી લઈએ,  ત્યારે સમસ્યા નહિવત હોય છે અને જો સમસ્યા ઉદ્દભવે તો પણ તેની અસરકારક સારવાર કરી સુધારો કરી શકાય છે.જેનાથી અંતે, સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે.

બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી પછીની લાંબા ગાળાની સંભવિત સમસ્યા

બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી પછીની લાંબા ગાળાની સમસ્યાઓમાં મુખ્યત્વે પોષણ સંબધીત સમસ્યાઓ તથા ફરીથી વજન વધવાની સમસ્યાઓ નો સમાવેશ થાય છે. આ સમસ્યાઓથી બચવા માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અમુક હદ સુધી, તે બેરિયાટ્રિક સર્જરીના પ્રકાર પર પણ આધાર રાખે છે.આવી સમસ્યાઓથી બચવા માટે, એક સારા ફોલો-અપની તથા સ્વસ્થ આહાર અને જીવનશૈલીના પાલન કરવાના અભિગમની ખુબ જરૂર છે.

પોષણ સંબધિત સમસ્યા

એક સામાન્ય ચિંતા પ્રોટીન અને વિટામિનની ઉણપની છે. એજ રીતે એનિમિયા(હિમોગ્લોબીન ઓછું હોવું) અને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપની ચિંતા. સામાન્ય રીતે, વજન ઘટવાના સમય દરમ્યાન, એ સપ્લીમેન્ટના સ્વરૂપે આપવામાં આવે છે. આવી ઉણપ થવાની સંભાવના સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીની તુલનામાં બાયપાસ પ્રકારની સર્જરીમાં વધુ હોય છે. સ્વસ્થ આહાર આવી ઉણપને ટાળવામાં મદદ કરે છે અને નિયમિત ફોલો-અપ  કરવાથી તેને સમયસર ઓળખી શકાય છે. વહેલી ખબર પડવાથી તેને દૂર કરવું સરળ બની જાય છે. ફક્ત તેને સપ્લીમેન્ટના સ્વરૂપે લેવાનું હોય છે. કેટલીક ઉણપ જો સમયસર ઓળખવામાં ના આવે તો, તે વધુ સમસ્યા પેદા કરી શકે છે અને તેને સુધારવું વધુ કઠિન બને છે.

વજન ફરીથી વધવાની સમસ્યા  

લાંબા ગાળાની બીજી એક અગત્યની સમસ્યા છે વજનનું ફરીથી વધવું. વજનનું ફરીથી વધવું સર્જરીની નિષ્ફ્ળતા દર્શાવતું નથી, પરંતુ દર્દીની અસ્વસ્થ જીવનશૈલીને દર્શાવે છે. એવું કહેવું બિલકુલ અયોગ્ય નથી કે વજન એટલે વધી રહ્યું છે કારણ કે  દર્દીએ  મેદસ્વીતાના પ્રાથમિક કારણ “અનિચ્છનીય જીવનશૈલી”માં કોઈ ફેરફાર કર્યા નથી. ફોલો-અપની અનિયમિતતા પણ જીવનશૈલીના ફેરફાર પ્રત્યે બેદરકારીનુ વલણ દર્શાવે છે. અને આજ કારણસર, મોટાબાગના દર્દીઓ કે જેઓમાં પોષણની ઉણપ થાય છે અને વજન ફરીથી વધવા લાગે છે, તેમના સર્જરી પછીના ફોલો-અપના રેકોર્ડ્સ જોઈએ તો મોટેભાગે તે અનિયમિત હોય છે. ફોલો-અપ એક એવો સમય છે કે તે દરમ્યાન બેરિયાટ્રિક ટિમ તમારાં અસ્વાસ્થ્યકર આહાર તથા જીવનશૈલીને સ્વસ્થ બનાવવામાં તમારી મદદ કરે છે. તે તમારી ઉંમર,અન્ય શારીરિક સમસ્યા, સંસ્કૃતિ, તમારી કાર્ય પદ્ધતિ, પસંદ, અગ્રીમતા વગેરેને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી પછી મારે શું આશા રાખવી જોઈએ?

દુ:ખાવો અને રિકવરી: શું બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી પીડાદાયક છે?

સર્જરી પછી તમને ખબર પડશે કે જેટલી તમે વિચારી હતી તેનાથી ઓછી પીડા થઈ. સર્જરીના થોડાં કલાકોમાં જ  તમે બેડ પરથી ઉઠીને હરીફરી શકશો. સ્પષ્ટ છે કે, કોઈ પણ સર્જરી સંપૂર્ણરીતે પીડારહિત હોતી નથી. પરંતુ એ જોતા કે આ સર્જરી એક મોટી સર્જરી છે, તેના પ્રમાણમાં એમાં પીડા ઘણી ઓછી થાય છે. એનું કારણ છે કે આ એક લેપ્રોસ્કોપીક સર્જરી છે. થોડાં દિવસોમાં તમે સામાન્ય રીતે તમારાં બધાં કામ કરવાની આશા રાખી શકો છો. જેટલું મન કરે તેટલું ચાલવું, દાદર ચઢવું, વગેરે. જેમને ટેબલ-વર્ક કે ઓફિસ-વર્ક છે, તેઓ 7-10 દિવસમાં ફરીથી ફરીથી પોતાના કામ પર પાછા ફરી શકે છે.

સર્જરી પછી તરતના આહારમાં જરૂરી ફેરફાર સાથે અનુકૂલન

શરૂઆતમાં, બે સપ્તાહ માટે તમે પ્રવાહી આહાર પર હશો. શરૂઆતના થોડા દિવસો માટે, તમે એક સમયે એક જ ઘૂંટડો પ્રવાહી લઈ શકશો. આથી, તમારે એક સીપર(બોટલ) તમારી સાથે રાખવી પડશે, જેમાંથી તમે દર થોડી થોડી મિનિટે સતત પ્રવાહીનાં ઘૂંટડા ભરી શકો. એ મહત્વપૂર્ણ છે કે તમે દરરોજ 2-3 લીટર પ્રવાહી લો જેથી કરીને શરીરમાં હાઇડ્રેશન બની રહે. ત્યાર બાદ, નરમ પોચો ખોરાક આપવામાં આવશે અને ધીરે-ધીરે આગળ વધવામાં આવશે. સામાન્ય આહાર ફરીથી શરૂ કરવામાં 4-6 અઠવાડિયા લાગશે. આ એવો સમય છે કે તે દરમ્યાન થોડાં આયોજનની અને આહારમાં કરેલાં ફેરફારને અનુકૂળ થવાની જરૂર છે. ખાસ કરીને જયારે તમે કામ ફરીથી શરૂ કરી રહ્યા હોવ ત્યારે.

કામ અને રોજિંદી પ્રવૃતિઓ ફરીથી શરૂ કરવી

તમે કેવા પ્રકારનું કામ કરો છો, તેના આધારે લગભગ 8-10 દિવસમાં કામ પર પાછા ફરી શકો છો. કેટલીક પ્રેરણા આપે તેવી વ્યક્તિઓ એનાથી પણ વહેલાં કામ પર પાછા ફરી શકે છે. જેટલાં જલ્દી તમે સામાન્ય રીતે હરવા ફરવાનું શરુ કરો છો અને કામ પર પાછા ફરો છો, એ બાબત એટલાં ઝડપથી તમને સંપૂર્ણ પણે સજા થવામાં મદદ કરે છે.

શરૂઆતમાં વજનનું  ઘટવું

શરૂઆતમાં વજન ઝડપથી ઘટશે. શરૂઆતના 3 મહિનામાં અપેક્ષિત વજન ઘટાડામાંથી 40-50% જેટલું વજન ઘટે છે. બાકીનું વજન 12-18 મહિનાના સમયગાળામાં ઘટશે.પહેલાં મહિને અને શરૂઆતનાં 3 મહિનામાં થતો કુલ વજનનો ઘટાડો, તમારા વધારાના વજન પર નિર્ભર કરશે. શરૂઆતનો આ વજનનો ઘટાડો તમને હલકા અને વધુ તાકાતવર હોવાનો અનુભવ કરાવશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે . અને આ એ જ સમય છે કે તમારે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તમારે ધીરે-ધીરે તમારી શારીરિક પ્રવૃતિઓ વધારવી જોઈએ.

મેદસ્વીતા સંબધિત અન્ય બીમારીઓમાં સુધારો (Healthy problem benefits)

મેદસ્વીતા સંબધિત અન્ય બીમારીઓમાં શરૂઆતથી જ ઘણો સુધારો જોવા મળે છે. ડાયાબિટીસમાં સુધારો પહેલા દિવસથી જ  જોવા મળે છે, વજનમાં પહેલાં કિલોગ્રામના ઘટવા કરતા પણ પહેલાં. આજ  બેરિયાટ્રિક સર્જરીનો સાચો  જાદુ છે,ખાસ કરીને બાયપાસ સર્જરીનો. બ્લડ પ્રેસર, ઘૂંટણના દુખાવાની સમસ્યા,પીઠ અને કમરના દુખાવાની સમસ્યા,પગમાં સોજા,અને વ્યંધત્વ સંબધિત સમસ્યાઓમાં શરુઆતના જ કેટલાંક મહિનાઓમાં સુધારો થવા લાગે છે. અને આ તમને સ્વસ્થ જીવનશૈલી પર પાછા આવવામાં મદદ કરશે.

બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી પછી મારે મુખ્ય કઈ  બાબતોની સાવચેતી રાખવી જોઈએ?

બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરી સતત લાંબાગાળાના પરિણામ આપતી હોવા છતાં, વ્યક્તિગત પરિણામ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. જે દર્દી આ બાબત બરાબર સમજે છે અને પોતાના સર્જને આપેલી સલાહને અનુસરે છે, તેઓ વધુ સારા પરિણામ મેળવે છે. અહીં કેટલીક બાબતો છે કે જે બહુ મહત્વપૂર્ણ છે, અને સમજવા જેવી છે.

જમવાની ટેવ

સૌથી મહત્વનું ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે ધીરે-ધીરે બરાબર ચાવીને જમવાનું છે.શરૂઆતના દિવસોમાં આ બહુ જ જરૂરી છે, કારણ કે ઝડપથી જમવાથી બેચેની અથવા તો ઉલટી પણ થઈ શકે છે. સમય જતાં તમને પોતાને સમજાશે કે કેટલી ઝડપથી જમશો તો તમે આરામથી જમી શકશો.

બીજું, તમારે યોગ્ય ખોરાક ખાવાની ટેવ વિકસાવવી જોઈએ. કારણ કે પોષણની ઉણપ થવાની એક સંભાવના છે, આથી તમારે સ્વસ્થ આહાર લેવો જોઈએ. એવો ખોરાક કે જે પ્રોટીન,વિટામિન અને ફાયબરથી ભરપૂર હોય. તમારે સોડા, કોફી તથા સુગરવાળા ડ્રિંક્સ લેવાનું ટાળવું જોઈએ. તમારે મીઠાઈ, ચોકલેટ અને તળેલાં ખોરાક પણ ટાળવાનું છે.

ખરેખર તો આ સ્વસ્થ ભોજનશૈલીમાં ફેરફાર મનથી, દિલથી થવો જોઈએ. તમારે એ સમજવાની જરૂર છે અને સ્વીકારવાની જરૂર છે કે આ જ ખાવાની યોગ્ય રીત છે અને આ ટેવ જીવનભર હોવી જોઈએ. અને આ ટેવ જીવનભર પાળવી ત્યારે જ શક્ય બનશે જયારે તમે લાચારીવશ નહીં પણ ખુશી-ખુશી એ ફેરફારને સ્વીકારો. આ જ એકમાત્ર સૌથી મહત્વપૂર્ણ ફેરફાર છે કે જે તમને સર્જરી પછી લાંબાગાળાના પરિણામ આપે છે.

શારીરિક સક્રિયતા

જેમ પહેલાં કહ્યું છે તેમ, તમારે લગભગ 7-10 દિવસમાં રોજિંદી પ્રવૃતિઓ પુનઃ શરૂ કરવા માટે સક્ષમ થઇ જવું જોઈએ. અને આ સમયે, તમારે ધીરે-ધીરે તમારી શારીરિક પ્રવૃતિઓ વધારવા પર ધ્યાન આપવાની જરૂર છે. પ્રવૃતિમય રહેવાથી તમને મહત્તમ વજન ઘટાડવામાં મદદ મળશે અને સ્નાયુને જાળવી રાખવામાં મદદ મળશે. જો તમે શારીરિક રીતે સક્રિય રહેશો તો ત્વચામાં આવતી ઢીલાશ ઓછી હશે. જેમ જેમ વધુ વજન ઘટતું જશે, વ્યાયામ પણ વધારે અને સરળતાથી કરી શકશો. એક બીજી વાતની પણ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે તમારે જિમ(Gym) જવાની જરૂરત નથી પણ જરૂર એવી  છે કે મધ્યમ પ્રકારનો વ્યાયામ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવે. ઝડપથી ચાલવું, દોડવું, રમવું, વગેરે જેવી પ્રવૃતિઓને  તમારી રોજિંદી પ્રવૃતિઓમાં સમાવો. જેથી વ્યાયામ કરવા માટે અલગ સમયની જરૂરત ઓછી રહે છે. આ બધું એ જ છે જેણે આપણાં પૂર્વજોને સ્વસ્થ રાખ્યા હતાં.

સપ્લિમેન્ટ્સ(પૂરક આહાર)

પ્રોટીન અને વિટામિનની ઉણપ થવાની એક સંભાવના છે, અને આથી જ તમારે સપ્લિમેન્ટ્સ(પૂરક આહાર) બાબતે તમારા સર્જનની સલાહનું પાલન કરવાની જરૂર છે. સામાન્ય રીતે, જ્યાં સુધી તમે રોજિંદો ખોરાક ફરીથી શરૂ ના કરો,ત્યાં સુધી શરૂઆતના થોડાં મહિનાઓ માટે પ્રોટીન સપ્લીમેન્ટની જરૂર છે. વિટામિન્સ સપ્લિમેન્ટ્સની જરૂર લાંબા સમય સુધી છે, ઓછામાં ઓછું ત્યાં સુધી જ્યાં સુધી તમારું વજન ઘટી રહ્યું હોય. આગળ પછી વિટામિન્સ સપ્લિમેન્ટ્સની જરૂરત વિષે સર્જીકલ ટિમ તમારી વ્યક્તિગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમને સૂચન કરશે.

દવાઓ,આલ્કોહોલ,અને ધુમ્રપાન

સર્જરી પછી,તમારે અન્ય દવાઓ લેતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. દવા લેતાં પહેલાં હંમેશા તમારી સર્જિકલ ટિમ સાથે આ બાબતે ચર્ચા કરો, ખાસ કરીને NSAIDs અને પેઇનકિલર (દર્દશામક) દવાઓ વિષે. આલ્કોહલ અને ધુમ્રપાન પણ સમસ્યા ઉભી કરી શકે છે અને એટલે માટે તેનાથી દૂર રહેવું જોઈએ. ધૂમ્રપાનથી અલ્સર થવાની શક્યતા વધુ છે અને તે મોટી તકલીફ ઉભી કરી શકે છે.

ફોલો-અપ

લાંબાગાળાનું  સારું પરિણામ, સૌથી વધુ ફોલો-અપને કારણે શક્ય બને છે. સર્જરીના થોડા મહિનાઓ પછી, દર્દીને એવું નથી લાગતું કે તેઓ દર્દી છે, આ એક સ્વાભાવિક અને સમજાય તેવી વાત છે. અને આથી જ તેમના ફોલો-અપને છોડવાની અને ટાળવાની શક્યતા ઘણી વધારે છે. પરંતુ આ એ જ સમય છે કે જયારે તમારા સર્જન તમારી પોષણની ઊણપને તેના શરૂઆતના તબક્કામાં જ ઓળખી શકે છે,  તમારી  અસ્વસ્થ ભોજનશૈલીને અને શારીરિક નિષ્ક્રિયતાને ઓળખી શકે છે. ફોલો-અપ દરમ્યાન, એક સ્વસ્થ જીવનશૈલી જાળવી રાખવા માટે તમને મદદગાર સૂચનો આપવામાં આવે છે. આથી જ, નિયમિત ફોલો-અપ રાખનારા દર્દીઓમાં, પરિણામ વધુ સારાં મળે તેવી સંભાવના છે.

 

ભારતમાં બેરિયાટ્રિક(ઓબેસિટી) સર્જરીનો ખર્ચ

સર્જરીનો ખર્ચ જુદી જુદી જગ્યાએ, જુદી જુદી હોસ્પિટલમાં અને જુદા જુદા સર્જનનો પણ જુદો જુદો હોય છે. આ સર્જરીમાં ઘણા બધાં આધુનિક ઉપકરણો તથા ડીસ્પોસેબલ વસ્તુઓની જરૂર પડતી હોવાને કારણે કુલ ખર્ચ ચોક્કસથી વધારે હોય છે. આમ છતાં, વધારે પડતો ખર્ચ કરવાની જરૂર નથી, પરંતુ ખર્ચ ઘટાડવા માટે કેટલીક મૂળભૂત જરૂરિયાતોને અવગણવી ના જોઈએ.જો તમે અમારા સેન્ટરનાં પેકેજ વિષે પુછપરછ કરવા માંગતા હોવ, તો તમે અહીં  ક્લિક કરીને તમારી સંપૂર્ણ માહિતી મોકલી શકો છો અને અમે તમારી સાથે વાત કરવામાં હર્ષ અનુભવીશું.

શું હું યોગ્ય સર્જન પાસે છું?

મેદસ્વિતા સામેની તમારી લડતમાં સર્જન અને સર્જિકલ ટીમ એ તમારા સાથી છે. તેથી જ એક સારા સર્જનને પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલીક વિશેષતાઓ ખૂબ મહત્વપૂર્ણ છે અને તેથી તમારે ખાતરી કરવી પડશે કે તમારા સર્જનમાં આ લાક્ષણિકતાઓ છે. તેમની પાસે આ સર્જરી કરવાની યોગ્યતા/લાયકાત અને અનુભવ હોવો જોઈએ. સર્જરી એવી હોસ્પિટલમાં કરવી જોઈએ, કે જ્યાં ઓપરેશન થિયેટરમાં જરૂરી દરેક ઉપકરણો ઉપલબ્ધ હોય અને તેમાં ICU બેક-અપની સુવિધા હોય. જો ઉપરોક્ત દરેક સુવિધાઓ તેમાં હોય, તો હા, તમે સુરક્ષિત હાથમાં છો.

એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરી વિષે

એડ્રોઇટ સેન્ટર પર, અહીં અમે મેદસ્વી વ્યક્તિઓની સમસ્યાઓને સમજીએ છીએ. માત્ર કઈ સમસ્યાઓનો સામનો તેઓ કરી રહ્યા છે તે જ નહીં, પરંતુ તેઓ આ સમસ્યાઓનો સામનો શા માટે કરી રહ્યા છે તે પણ. તેઓ પોતાના  વધુ વજન સામેની લડતમાં શારીરિક, માનસિક, ભાવનાત્મક, પારિવારિક, સામાજિક, નાણાકીય તથા વ્યવસાય સાથે સંકળાયેલા કયા પડકારોનો સામનો કરી રહ્યા છે. અમને મેદસ્વીતાના મૂળ કારણોની પણ સંપૂર્ણ સમજ છે. અને દરેક વ્યક્તિગત દર્દીનાં વિશિષ્ટ કારણોને શોધી કાઢવાની ક્ષમતા અને ઈચ્છા છે. આનાથી અમને લાંબા ગાળાના ઉત્કૃષ્ટ પરિણામ મેળવવાં માટે દર્દીનું માર્ગદર્શન કરવામાં મદદ મળે છે. અમારું સેન્ટર આ પ્રકારની સર્જરી લાંબા સમયથી નિયમિત રીતે કરી રહ્યું છે અને અમે તમને એક સુરક્ષિત અને સરળ રિક્વરીનું આશ્વાસન આપી શકીએ છીએ. અમારી ટીમ તમે સર્જરી પછી તરત જ તમારા સામાન્ય જીવન પર પરત ફર્યા કે નહીં તેની  ખાતરી કરવાં માટે સક્રિય કાર્ય કરે છે. કદાચ આ જ કારણસર અમારા દર્દીઓ અમારા સેન્ટરને સૌથી શ્રેષ્ઠ સેન્ટર માને છે.

આપ અમારા બીજા લેખ પણ વાંચી શકો છો