8156078064
8469327630 SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar

ડાયાબિટીસ માટેની સર્જરી/મેટાબોલિક સર્જરી: શું ડાયાબિટીસ મટી શકે ?

દરેક ડાયાબિટીસના દર્દીની ઈચ્છા હોય કે તેમની રોજની દવાઓ અને ઈન્જેકશનમાંથી તેમને છુટકારો મળે. તેવું દરેક દર્દી માટે શક્ય નથી, પણ ઘણા ડાયાબિટીસના દર્દીઓમાં સર્જરીની મદદથી તેવું શક્ય છે. આમાંના કેટલાક દર્દીઓ દવાઓથી સંપૂર્ણ છુટકારો મેળવી શકે છે તો કેટલાકને ઈંસ્યુલિનથી છુટકારો મળે છે પણ દવાઓ ચાલુ રહે છે. વધુ મહત્વનું છે કે ઇન્સ્યુલિન અને દવાઓ ઓછી થવા છતાં બ્લડ શુગર કન્ટ્રોલ વધુ સારું હોય છે. દરેક વસ્તુની જેમ અહીં પણ “શરતો લાગુ પડે છે'”. વધુ ઊંડાણથી સમજવા માટે આ લેખ વાંચો અને જાણો કે તમારા માટે આ માહિતી કેટલી ઉપયોગી છે.

 શું ડાયાબિટીસ મટી શકે?

મટી જવું એ ખુબ ભારે શબ્દ છે, દરેક વ્યક્તિ માટે તેનો અર્થ ભિન્ન ભિન્ન હોય શકે છે. સીધી રીતે કહીએ તો જો દવાઓથી છુટકારો  મળે અને તેમ છતાં બ્લડ શુગર જળવાઈ રહે એ જ તમારા માટે મટી જવું કહેવાતું હોય તો હા,તે શક્ય છે. ડાયાબિટીસની દવાઓ સંપૂર્ણપણે બંધ થવી, તે કેટલાક જૂજ દર્દીઓમાં જ શક્ય છે. અહીં, તમને યાદ કરાવીશ કે આપણે ડાયાબિટીસ Type IIની વાત કરીએ છીએ. ડાયાબિટીસ Type I  એ સંપૂર્ણપણે જુદો રોગ છે, આપણે એના વિષે અહીં વાત કરતા નથી.

જેઓને  થોડા સમય પહેલાં જ ડાયાબિટીસનું નિદાન થયું  હોય, અયોગ્ય જીવનશૈલી અને વધુ વજન હોય, જેઓને ડાયાબિટીસ વારસામાં આવ્યો ન હોય, અને જેઓના પેન્ક્રીઆસનું એન્ડોક્રાઇન ફંકશન એટલે કે હોર્મોન બનાવવાનું કાર્ય સારી રીતે જળવાયેલું  હોય, તેમના માટે માત્ર વજન ઘટાડીને અને યોગ્ય જીવનશૈલીને ચુસ્ત રીતે અનુસરીને ડાયાબિટીસ મટાડી શકાય છે. આ પ્રકારના દર્દીઓએ આ વાંચ્યા પછી દવા લેવાનું જાતે બંધ ન કરવું જોઈએ. દવા બંધ કરવા માટે ડોક્ટરની દેખરેખ,અને બ્લડ શુગરની યોગ્ય દેખરેખ જરૂરી છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓ તેમની જાતે જ દવા બંધ કરે છે અને બ્લડ શુગરની પણ દેખરેખ રાખતા નથી અને ધારી લે છે કે જીવનશૈલીનો બદલાવ જ એમના ડાયાબિટીસને મટાડી દેશે. પરંતુ દરેક દર્દીમાં દવા આ રીતે બંધ ન થઇ શકે અને તમારે ડોક્ટરની સલાહ સિવાય આવું ન કરવું જોઈએ.

બીજા, એવા દર્દીઓ કે જે  મેદસ્વી હોય અને જેમને થોડાક વર્ષોથી ડાયાબિટીસ હોય, તેઓ બેરિયાટ્રિક સર્જરી પછી દવાઓથી સંપૂર્ણ છુટકારાની આશા રાખી શકે. તમારે બેરિયાટ્રિક સર્જનને મળી યોગ્ય તપાસ કરાવવી જોઈએ અને તેમની સાથે ચર્ચા કરવી જોઈએ કે તમારા માટે ઓપરેશન પછી દવા બંધ થવાની સંભાવના કેટલી છે. બેરિયાટ્રિક સર્જરી પછી ડાયાબિટીસમાં થતો સુધારો  એ તમારી ઉંમર, BMI, પેન્ક્રીઆટીક એન્ડોક્રાઇન ફન્કશન(પેન્ક્રીઆસની  હોર્મોન બનાવવાની ક્ષમતા), અને વારસાગત વલણ પર આધાર રાખે છે.

સર્જરીને કેવા દર્દીઓએ ડાયાબિટીસની સારવારના વિકલ્પ તરીકે પ્રાથમિકતા આપવી જોઈએ?

સર્જરી એ ડાયાબિટીસ ની સારવારનો સારો વિકલ્પ હોવા છતાં, દરેક માટે તે આદર્શ વિકલ્પ નથી. અમુક ખાસ પસંદગીના દર્દીઓએ તેને એક વિકલ્પ તરીકે ધ્યાનમાં લેવો જોઈએ. જો તમે નીચે જણાવેલ કોઈપણ શ્રેણીમાં આવતા હોવ તો તમારે બેરિયાટ્રિક અથવા મેટાબોલિક સર્જરી વિષે વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવવી જોઈએ.

ડાયાબિટીસ અને મેદસ્વીતા (Morbid Obesity)

જો તમે મેદસ્વી વ્યક્તિ હોવ, એટલે કે તમારો BMI 32.5 કરતા વધુ હોય અને મેદસ્વીતા સાથે સંકળાયેલા રોગો (ડાયાબિટીસ અથવા અન્ય) હોય તો સર્જરી તમારા માટે યોગ્ય વિલ્કપ છે. ડાયાબિટીસ અથવા મેદસ્વીતા સંબધિત અન્ય કોઈ રોગ ન  હોવા છતાં 37.5 કરતાં વધુ BMI હોય તેવી વ્યક્તિને પણ આ સર્જરીની સલાહ અપાય છે .

દવાઓથી કન્ટ્રોલ ન થતા ડાયાબિટીસની સાથે મેદસ્વીતા

એવા દર્દીઓ કે જેઓ મેદસ્વીતા તથા તેની સાથે સંકળાયેલા ડાયાબિટીસ કે અન્ય રોગોથી પીડાતા હોય, જેનો BMI 32.5 કરતા વધુ હોય અને જેનો ડાયાબિટીસ દવાઓથી પણ કન્ટ્રોલ ના થતો હોય તેવી વ્યક્તિએ બેરિયાટ્રિક સર્જરીનો વિકલ્પ ગંભીરતાપૂર્વક વિચારવો  જોઇએ. કન્ટ્રોલ ના થતો બ્લડ શુગર તમારા અંદરના અંગોને નુક્શાન પહોંચાડે છે. તેની અસર અત્યારે ના દેખાય પણ આગળ જતા કોઈ અંગને નકામો કરી નાખે છે. તે હાર્ટ એટેક, કિડની ફેઈલયર, લીવર ફેઈલયર,  દ્રષ્ટિમાં નુકશાન અથવા પગમાં ગેન્ગરિન માં પરિણામી શકે છે.

તમારો  ડાયાબિટીસ કન્ટ્રોલમાં છે કે નહીં તે વિષે જાણવા માટે, તમારે તમારા fasting અને post -meal બ્લડ શુગર તથા HbAlc લેવલનું સતત ધ્યાન રાખતા રહેવું જોઈએ. HbAlc એ છેલ્લા ત્રણ મહિનાનું સરેરાશ બ્લડ શુગર કન્ટ્રોલ દર્શાવે છે. બ્લડ ગ્લુકોઝના યોગ્ય કન્ટ્રોલ માટે તેની આદર્શ વેલ્યુ  7 થી નીચે રહેવી જોઈએ. અને જો તેની વેલ્યુ સતત 8 કે તેથી વધુ આવે તો તે દર્શાવે છે કે ગ્લુકોઝનો કન્ટ્રોલ બરાબર નથી.

ઇન્સ્યુલિન લેવા છતાં કન્ટ્રોલ ના થતો ડાયાબીટીસ પછી ભલે મેદસ્વીતા હોય કે ના હોય

એવા ડાયાબિટીસના દર્દીઓ કે જેઓને ઇન્સ્યુલિન લેવા છતાં ડાયાબિટીસ કન્ટ્રોલ ના થતો હોય, અને તમનો BMI 27.5 – 32.5ની વચ્ચે રહેતો હોય તેઓને આ સર્જરી ફાયદાકારક નીવડી શકે. આવા દર્દીઓ માં આ સર્જરી મુખ્યત્વે શુગર કન્ટ્રોલ કરવાના આશય સાથે કરવામાં આવે છે, નહીં કે વજન ઘટાડવા માટે. આ સર્જરીને મેટાબોલિક સર્જરી કહેવામાં આવે છે.

સર્જરીના પરિણામોને (એટલે કે ડાયાબિટીસમાં સુધારાને) અસર કરતાં પરિબળો

ડાયાબિટીસનો સમયગાળો

જેમ ડાયાબિટીસનો સમયગાળો ઓછો તેમ સર્જરી પછી દવાઓ સંપૂર્ણ બંધ થવાની શક્યતા વધુ. ખાસ કરીને ઇન્સ્યુલિન પ્રત્યે ઘટતી સંવેદનશીલતા (decreased insulin sensitivity), મેદસ્વી વ્યક્તિઓના અનિયત્રિંત બ્લડ શુગરનું  મુખ્ય કારણ છે. આવી સ્થિતિમાં પેન્ક્રીયાસની ઈન્સ્યુલીન બનાવવાની ક્ષમતા મોટેભાગે સારી હોય છે. અને જો  બેરિયાટ્રિક ઓપરેશન વહેલું કરવામાં આવે તો પેન્ક્રીઆસને સમય જતાં થતું કાયમી નુકશાન અટકાવી શકાય.

ઇન્સ્યુલિનની જરૂરિયાત અને અનિયત્રિંત ડાયાબિટીસ

દવાથી કંટ્રોલ ના થતો ડાયાબિટીસ અને ઇન્સ્યુલિનની જરૂરિયાત પરોક્ષ રીતે પેન્ક્રીઆસમાં ઓછા થતા બીટા સેલ્સ (beta cell) ને સૂચવે છે. ચોક્કસપણે,આ દર્દીઓને સર્જરીથી ફાયદો થાય, તેમ છતાં દવાઓથી સંપૂર્ણ છુટકારો મળવાની શક્યતા ઓછી છે. સર્જરી પછી, માત્ર દવાઓથી, ઈન્સ્યુલીન વગર શુગર કન્ટ્રોલ થઇ શકે. અથવા એવા દર્દીઓ માટે કે જેમને ખુબ વધારે ઇન્સ્યુલિનની જરૂર હોય અને ઇન્સ્યુલિન સાથે શુગર કન્ટ્રોલ ના રહેતો હોય, સર્જરી તેઓની ઇન્સ્યુલિનની જરૂરિયાતને ઘટાડે છે અને તેની સાથે શુગર સારી રીતે કન્ટ્રોલ થાય તેમ થઇ શકે.

આમ જોતાં, આ દર્દીઓમાં સર્જરી ઓછી ફાયદાકારક લાગે. પરંતુ આપણે દવાઓથી સંપૂર્ણ છુટકારો ના મેળવી શકતા હોવા છતાં, આ એ જ દર્દીઓ છે કે જેમને સર્જરીનો સૌથી મહત્તમ ફાયદો થાય છે. કારણકે આવા દર્દીઓમાં ઓપરેશનથી, બ્લડ સુગર કન્ટ્રોલ ના થવાને કારણે થતાં શરીરના મુખ્ય અંગોને ફેઈલને અટકાવી શકાય છે. આવા દર્દીઓમાં ઓપરેશનના જોખમની તુલનામાં ફાયદા વધુ હોય છે.

વારસામાં ડાયાબિટીસ, જિનેટિક અને Autoimmune જેવા પરિબળો

આ એ પરિબળો છે કે જેનાથી સમય જતાં પેન્ક્રીઆસના બીટા સેલ્સને વધુ નુકશાન થવાની શક્યતા છે. આ દર્દીઓને સર્જરીથી ફાયદો થતો હોવા છતાં, આવા પરિબળોને કારણે સમય જતા સર્જરીના ફાયદાઓમાં ધીરેધીરે ઘટાડો  થઈ શકે છે.

આમછતાં, માત્ર મેડિકલ થેરાપી કરતાં, સર્જરીના સુગર કન્ટ્રોલ તથા અંગોને ફેઈલ થતા અટકાવવા બાબતે પરિણામ વધુ સારા  હોય છે.

Pancreatic reserve (C peptide levels)

C peptide એ પેન્ક્રીઆટીક reserve નો  નિર્દેશ કરે છે. ઘણી વખત સુગર આપીને બીટા સેલ્સ ને C peptide બનાવવા માટે ઉતેજીત કરીને, C peptide level માં થતો વધારો જોવામાં આવે છે. આ ટેસ્ટના પરિણામ પરથી ડોક્ટર સર્જરી પછી ડાયાબિટીસ  કન્ટ્રોલના પરિણામ વિષે અનુમાન લગાવી શકે છે.

Related Posts

બેરિયાટ્રિક સર્જરી અને મેટાબોલિક સર્જરી વચ્ચે શું તફાવત છે?

ટેકનિકલી  જુઓ તો બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી બન્ને એકદમ સરખા છે, દર્દીની profile અને જરૂરિયાત મુજબ થોડા ફેરફાર કરવામાં આવે છે. બન્ને જઠર અને આંતરડા પર થતી લેપ્રોસ્કોપીક સર્જરી છે. દરેકની હોર્મોન અને મેટાબોલિઝમ પર ઘેરી અસર છે.

બેરિયાટ્રિક સર્જરી  ડાયાબિટીસમાં સુધારો કરે છે, પણ તે મેદસ્વી દર્દીઓમાં વજન ઘટાડવાના પ્રાથમિક લક્ષ્ય સાથે કરવામાં કરવામાં આવે છે. પરંતુ એમાં કોઈ શંકા નથી કે વજન ઘટાડવાનું અંતિમ લક્ષ્ય મેદસ્વીતા સાથે સંકળાયેલા અન્ય રોગોમાં સુધારો લાવવાનું  છે.

તો બીજી તરફ, મેટાબોલિક સર્જરી મેદસ્વી ના હોય તેવા દર્દીઓ પર ડાયાબિટીસમાં સુધારાના પ્રાથમિક લક્ષ્ય સાથે કરવામાં આવે છે. ઘણી વખત ટેકનીકલી સર્જરી સરખી હોવા છતાં, સર્જરીના પ્રાથમિક લક્ષ્ય અનુસાર શબ્દ વાપરવામાં આવે છે. જયારે ઘણી વખત ડાયાબિટીસમાં શુગર કન્ટ્રોલ સુધારવા અને ડાયાબિટીસ ના કેટલાંક કોમ્પ્લિકેશનને ટાળવા માટે સર્જરીમાં નાના ફેરફાર કરવામાં આવે છે.

સર્જરી કઈ રીતે બ્લડ શુગર  કન્ટ્રોલમાં સુધારો લાવે છે?

બ્લડ શુગર કન્ટ્રોલમાં આંતરડાની ભૂમિકા

સૌ પ્રથમ તો, આંતરડાની દીવાલ પોતે એક હોર્મોન બનાવતું  અંગ (endocrine organ) છે. ઘણા બધાં હોર્મોન અને peptide  molecule  નો આંતરડાની દીવાલમાંથી  સ્ત્રાવ થાય છે. આ બધા હોર્મોન અને molecule, શરીરના વિવિધ કાર્યો  જેવા કે બ્લડ શુગર કન્ટ્રોલ, ચરબીનું પાચન,અને શરીરનું મેટાબોલિઝમ વગેરેનું  નિયંત્રણ  કરે છે.

ઇન્સ્યુલિન કે જે પેન્ક્રીઆસમાં બને છે, તે સિવાય બીજા ઘણા હોર્મોન અને  metabolites પણ બ્લડ શુગર લેવલને અસર કરે છે. ઇન્સ્યુલિનનું પોતાનું બનવું અને સ્ત્રવવું પણ બીજા હોર્મોન અને કેટલાંક peptide કે જે આંતરડામાં બને છે, તેના દ્વારા નિયંત્રણમાં હોય છે. પેન્ક્રીઆસ અને ઈન્સુલિનનો સ્ત્રાવ કરતાં બીટા સેલ (beta cells) ની તંદુરસ્તીનું ધ્યાન પણ આંતરડાની દીવાલમાંથી ઉતપન્ન થતાં ઘણાં molecule દ્વારા થાય છે. આમ, આપણા આંતરડાની સ્વસ્થતા, આપણો  ખોરાક,અને આપણા આંતરડાના બેક્ટેરિયાની સ્વસ્થતાની  બ્લડ શુગર લેવલ સહિત આપણા શરીર પર ઘણી અસર છે.

બેરિયાટ્રિક સર્જરી પછી ઇન્સ્યુલિનનાં સ્ત્રાવમાં સુધારો

બેરિયાટ્રિક સર્જરી દ્વારા આંતરડાંમાં કરવામાં આવેલા ફેરફારો, આંતરડામાંથી સ્ત્રવતા અન્ય  molecule ના સ્ત્રાવમાં ફેરફાર કરે છે જેની આખરે ઇન્સ્યુલિનનાં સ્ત્રાવ પર સકારાત્મક અસર થાય છે.. Surgery for Diabetes: Change in digestive hormones

પ્રથમ, બેરિયાટ્રિક સર્જરી પછી ખોરાક duodenum  (એટલે કે  નાના આંતરડાનો શરૂઆતનો ભાગ કે જે પેન્ક્રીઆસની નજીક આવેલો છે) તેને બાયપાસ કરી આગળ જાય છે. આ બદલાવ પેન્ક્રીઆસમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધારે છે અને ગ્લુકાગોન હોર્મોનનો સ્ત્રાવ ઘટાડે છે. હોર્મોન ગ્લુકાગોન ઇન્સ્યુલિન કરતા તદ્દન વિરુધ્ધ કાર્ય કરે છે.તેનો ઓછો સ્ત્રાવ બ્લડ ગ્લુકોઝ લેવલ સુધારવામાં મદદ કરે છે. આ બધાં કારણોસર સર્જરી પછી તરત જ ડાયાબિટીસમાં સુધારો જોવા મળે છે.

બીજું, સર્જરી પછી ખોરાક આંતરડાના અંતિમ ભાગમાં વહેલો પહોંચે છે. ખોરાકનો નાના આંતરડાના અંતિમ ભાગ સાથેનો  વહેલો સંપર્ક, કેટલાક હોર્મોન અને molecule ના સ્ત્રાવમાં બદલાવ લાવે છે.આ થોડું થિયરીકલ છે પણ, જેઓને જાણવું હોય તેમના માટે, એ molecule ના નામ GLP 1 અને Peptide yy છે જેનો સ્ત્રાવ સર્જરી પછી વધે છે. બન્નેની પેન્ક્રીઆસમાંથી ઇન્સ્યુલિન બનવા અને  સ્ત્રાવ પર સકારાત્મક અસર છે. માત્ર એટલું જ નહીં, તેઓ પેન્ક્રીઆસના નવા બીટા સેલના વિકાસ અને અસ્તિત્વમાં સુધારો કરે છે. બીટા સેલનું કાર્ય ઇન્સ્યુલિન બનાવવાનું છે. ટાઈપ II પ્રકારના ડાયાબિટીસના દર્દીઓમાં, આ બીટા સેલ વહેલા નાશ પામે છે અને તેમની સંખ્યા સમય સાથે ઘટે છે.

સર્જરી પછી ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા (અસરકારકતા)માં સુધારો

Metabolic changes after bariatric surgery

ટાઈપ II ડાયાબિટીસમાં, ઇન્સ્યુલિનનું ઓછા પ્રમાણમાં બનવું એ જ એક સમસ્યા નથી . જે ઇન્સ્યુલિન બને છે તેની અસરકારકતા પણ ઓછી છે. લીવર અને સ્નાયુના કોષો બ્લડમાંથી શુગર શોષવા માટે વધારે પ્રમાણમાં ઈન્સ્યુલિનનો  ઉપયોગ કરે છે. અને આ બિનઅસરકારક્તાને ઇન્સ્યુલિનની ઓછી સંવેદનશીલતા (decreased Insulin sensitivity) કહે છે.  આ ઇન્સ્યુલિનની ઓછી સંવેદનશીલતા, તે મેદસ્વી દર્દીઓમાં જોવા મળતાં મેટાબોલિક સિન્ડ્રોમનો (Metabolic syndrome) ભાગ છે. સાદી ભાષામાં કહીએ તો, ઇન્સ્યુલિનની  સંવેદનશીલતા કે અસરકારકતા વજન વધવાથી ઘટે છે અને વજન ઓછું થવાથી વધે છે.

આથી જ બેરિયાટ્રિક સર્જરી પછી, વજન ઘટવાથી, ધીરે ધીરે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે. ઇન્સ્યુલિનની અસરકારકતા વધતા બ્લડ શુગર લેવલ પર સારો કન્ટ્રોલ રહે છે.

આના વધુ મહત્વના પાસા પણ છે. ઇન્સ્યુલિનની અસરકારકતા વધતા, બ્લડ શુગરને કન્ટ્રોલ કરવા ઓછા ઇન્સ્યુલિનની જરૂર રહે છે. અને પેન્ક્રીઆસનો ઇન્સ્યુલિન બનવાનો કાર્યભાર ઓછો થાય છે. તેનાથી બીટા સેલની લાઈફ લાંબી બને છે.  જે લાંબાગાળે  પેન્ક્રીઆસના સ્વાસ્થ્ય અને ડાયાબિટીસ સમ્બન્ધિત પરિણામો માટે ખુબ મહત્વનું છે.

એકંદરે સર્જરીની સુગર મેટાબોલિઝમ ઉપર અસર

સર્જરી પછી તરત, ખાસ કોઈ વજનમાં ઘટાડો ના હોવા છતાં,બ્લડ શુગર લેવલમાં સુધારો જોવા મળે છે. આવું ઇન્સ્યુલિન લેવલમાં સુધારો અને ઓછી કેલેરી લેવાને કારણે થાય છે. ધીરેધીરે વજન ઘટતા, ઇન્સ્યુલિનની  સંવેદનશીલતા વધે છે જેનાથી સમય જતાં ડાયાબિટીસમાં વધુ સુધારો જોવા મળે છે. સમય જતાં બીટા સેલમાં વધારો થતાં પેન્ક્રીઆસની સ્વસ્થતા વધે છે અને ડાયાબિટીસ અને સુગર મેટાબોલિઝમમાં લાંબાગાળા માટે સુધારો જોવા મળે છે.

બેરિયાટ્રિક સર્જરી સાથે સંકળાયેલા અન્ય ફાયદાઓ ક્યા છે?

ખરેખર, આપણે  બ્લડ ગ્લુકોઝ કન્ટ્રોલને જ એક માત્ર સંકેત સમજીને માપ્યા કરીએ અને ધ્યાન રાખ્યા કરીએ છીએ. પરંતુ, આવો જ ખુબ વધારે સુધારો ફેટ મેટાબોલિઝમ અને લીવર મેટાબોલિઝમ અને બીજા શરીરના હોર્મોન સિસ્ટમમાં પણ જોવા મળે છે. જે સમય જતાં લિપિડ પ્રોફાઈલ ટેસ્ટના પરિણામોમાં સુધારા, કોલેસ્ટ્રોલનું ઘટતું સ્તર, ફેટી લીવરમાં સુધારો, સ્ત્રી અને પુરુષમાં પ્રજનન તંત્ર સંબધિત હોર્મોનના નિયત્રંણ સ્વરૂપે જોવા મળે છે. વજન ઘટવાના કારણે સાંધાની સમસ્યા, પેશાબની કોથળીમાંથી પેશાબનું લીક થવું, શ્વાસની સમસ્યા વગેરેમાં પણ બેરિયાટ્રિક સર્જરી પછી સુધારો જોવા મળે છે.

એકંદરે સર્જરીની અસરથી શરીરની  મેટાબોલિઝમ અને હોર્મોન સિસ્ટમ ફરીથી સેટ થાય છે. રોગિષ્ટ મેદસ્વી દર્દીઓમાં આ સિસ્ટમમાં અસ્વસ્થ  જીવનશૈલીને કારણે લાંબા સમયથી  ખલેલ પડેલી હોય છે જે  વિવિધ પ્રકારની શારીરિક સમસ્યામાં પરિણમે છે. સર્જરીથી સ્વસ્થ મેટાબોલિઝમ અને હોર્મોન બેલેન્સ ફરીથી સેટ થતાં દર્દીને અનુભવાતી વિવિધ શારીરિક સમસ્યામાં સુધારો થાય છે. અને આથી બેરિયાટ્રિક સર્જરી પછી  મેદસ્વીતા સંબધિત રોગોમાં ચમત્કારિક શારીરિક ફાયદાઓ જોઈ શકીએ  છીએ.

આ સર્જરી જોખમી છે? તેના ફાયદાઓ લાંબાગાળા સુધી રહે છે?

તમારે સમજવાની જરૂર છે કે, કોઈપણ સારવાર જોખમ વગરની નથી હોતી, અને નાતો બીમારી માટે થોભો અને જુઓની નીતિ જોખમ વગરની છે. તમારે હંમેશા ફાયદા સામે જોખમનું મુલ્યાંકન કરવું જોઈએ અને નિર્ણય લેવો જોઈએ.

બેરિયાટ્રિક સર્જરી એ જઠર આંતરડાની મોટી સર્જરી છે. અને બીજી સર્જરીની જેમ તેના પોતાના જોખમ અને કોમ્પ્લિકેશન છે. પરંતુ જયારે  તે યોગ્ય તપાસ પછી, બધી જ ગાઇડલાઇનને યોગ્ય રીતે અનુસરીને અને કોઈ નિષ્ણાત સર્જન દ્વારા કરવામાં આવે ત્યારે આ સર્જરીમાં, બીજી મોટી સર્જરીના પ્રમાણમાં ખુબ ઓછા કોમ્પ્લિકેશન અને ઓછો મૃત્યુદર જોવા મળે છે. એ લેપ્રોસ્કોપિથી  કરવામાં આવતી હોવાથી રિકવરી ઝડપી છે. સામાન્ય જીવન પર પણ ખુબ જલ્દી  પાછા ફરી શકાય છે.

જ્યાં સુધી ફાયદાઓના લાંબા સમય કાયમ રેહવાની વાત છે તો, મોટાભાગના દર્દીઓમાં ડાયાબિટીસમાં લાંબાગાળા માટે દવાઓમાં ઘટાડા સાથે વધુ સારો શુગર કંટ્રોલ જળવાય છે. તમારે સમજવાની જરૂર છે કે અસ્વસ્થ જીવનશૈલી એ મેદસ્વીતા અને ડાયાબિટીસનું પ્રાથમિક કારણ છે. આથી જ સર્જરી પછી પણ તેનાથી વજન ફરીથી વધી શકે છે તથા ગ્લુકોઝ  મેટાબોલિઝમમાં ખલેલ ઉભી થઈ શકે છે. માટે જો દર્દી પોતાની જીવનશૈલીમાં સર્જરી પછી બદલાવ કરે અને ફોલોઅપના સૂચનોને વળગી રહે તો તેને લાંબાગાળાના પરિણામો વિષે વધુ  ચિંતા કરવાની જરૂર નથી. મોટાભાગના કેસમાં, સમસ્યાઓ ત્યારે જ શરૂ થાય છે જયારે  જીવનશૈલી ફરીથી અસ્વસ્થ થઈ જાય.

મારે મારાં માટે શું નિર્ણય કરવો જોઈએ?

સૌપ્રથમ, તમારે સર્જરીના ફાયદા અને ગેરફાયદા સમજવા જોઈએ. એ પણ સમજવું જોઈએ કે જો તમે એવા દર્દી છો કે જેને સર્જરીની સલાહ આપવામાં આવતી હોય,તો તમારી સર્જરીના સંભવિત ફાયદાઓ અને ગેરફાયદાઓ  ક્યા છે. ફાયદાઓ સંબધિત તમારે એ પણ સમજવાનો  પ્રયત્ન કરવો જોઈએ કે માત્ર દવાઓ અને ઇન્જેક્સનમાં ઘટાડો જ નહીં, પરંતુ ડાયાબિટીસ ના વધુ સારા કન્ટ્રોલના કારણે અંગોનું ફેઈલ અટકવી શકાય તેને પણ ધ્યાન માં રાખવું જોઈએ. તમારે તમારી જાતને આ પ્રાથમિક પ્રશ્નો પૂછવા જોઈએ.

તમે મેદસ્વી છો? તમને મેદસ્વીતા સાથે સંકળાયેલા અન્ય રોગો છે?

જો તમે મેદસ્વી  હોય અને તમને ડાયાબિટીસ હોય, તો ચોક્કસ તમારે સર્જરીને ધ્યાન પર લેવી જોઈએ. અને જો તમને મેદસ્વીતા સાથે સંકળાયેલ અન્ય રોગ હોય તો સર્જરી માટેનું સૂચન આનાથી પણ વધારે દ્રઢ બને છે. વજનમાં ઘટાડો અને મેદસ્વીતા સંબધિત રોગોમાં સુધારો એ વધારાનો  ફાયદો હશે.

શું તમારો ડાયાબિટીસ દવાઓ માત્રથી કન્ટ્રોલમાં નથી?

જો ડાયાબિટીસ કન્ટ્રોલ ના થતો હોય અને તમને ઇન્સ્યુલિન શરૂ કરવાની સલાહ મળી હોય અને તમે મેદસ્વી હોવ, તો સમય આવી ગયો છે કે તમે સર્જરી વિષે વિચારો. સર્જરી માત્ર શુગરને જ કન્ટ્રોલ કરી અને ઇન્સ્યુલિનની જરૂરિયાતને ટાળતી નથી પણ તે તમારા પેન્ક્રીઆસના endocrineના કાર્યને સુધારી ને જાળવી રાખે છે.આમ છતાં, હજુ જો તમે સર્જરી માટે તૈયાર ના હોવ તો, તમારે ઇન્સ્યુલિન ઇન્જેક્સન શરૂ કરવાની તમારા ડોક્ટરની સલાહને અવગણવી ના જોઈએ. આ એક એવો તબક્કો છે કે જેમાં બીકને કારણે જો તમે સર્જરી અને ઇન્સ્યુલિન બન્ને તમે ટાળી રહ્યા છો, તો તેનાથી પેન્ક્રીઆસ બર્ન આઉટ થઇ તેને કાયમી નુકસાન થશે. સમય જતાં તે તમારા ડાયાબિટીસ પરના કન્ટ્રોલને વધુ ખરાબ કરશે.

શું તમારી ઇન્સ્યુલિનની જરૂરિયાત ખુબ વધારે છે? શું તમને બ્લડ શુગર કન્ટ્રોલ ના થવાને કારણે અંગો ફેઈલ થવાનું જોખમ વધુ છે?

આવા કેસમાં, સર્જરી તમને દવાઓ અને ઈંસ્યુલિનમાંથી છુટકારો ના પણ અપાવી શકે. પરંતુ, સારો બ્લડ શુગર પરનો કન્ટ્રોલ શારીરિક વિનાશને ટાળવા માટે અનિવાર્ય છે. મને લાગે છે કે આવા દર્દીઓને સર્જરીનો મહત્તમ ફાયદો થાય છે. ભલે તેઓને સર્જરી પછી પણ ડાયાબિટીસની સારવારની જરૂર પડતી હોય.

જો તમે સર્જરી થી ફાયદો થાય તેવા દર્દી હોવ, તો તમારે બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જનને મળવું જોઈએ અને તમારી બીમારી સંબધિત બધી જ ચર્ચા કરવી જોઈએ. તમારે તમારા કેસમાં સંભવિત પરિણામોને સમજવા જોઈએ. તમારા માટે ક્યાં ટૂંકાગાળાના અને લાંબાગાળાના ફાયદાઓ છે અને ક્યાં જોખમો છે. ત્યારબાદ જ તમે તમારા માટે વધુ જાણકારીપૂર્ણ  નિર્ણય લઈ શકશો.

મેદસ્વીતા અને ડાયાબિટીસ માટેની ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી વિષે વધુ જાણવા માટે આ વિડીયો જુઓ


આપ અમારા બીજા લેખ પણ વાંચી શકો છો