8156078064
8469327630 SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar

બેરિયાટ્રિક સર્જરી પછી ગર્ભાવસ્થા

બેરિયાટ્રિક સર્જરી, જેને વજન ઘટાડવાની સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્થૂળતા સાથે સંઘર્ષ કરી રહેલા લોકો માટે ઉકેલ તરીકે વધુને વધુ લોકપ્રિય બની રહી છે. બેરિયાટ્રિક સર્જરી કરાવતા દર્દીઓમાં મોટી સંખ્યામાં યુવાન સ્ત્રીઓ છે જે પ્રજનન(Reproductive) વય જૂથમાં આવે છે.

આમ તો, આ સર્જરીના અનેક ફાયદા છે, જેમ કે જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો તથા લાંબા સમયથી થયેલી બીમારીઓ ના જોખમને ઘટાડવું અને એવી મહિલાઓ માટે પણ ખુબ અસરકારક છે કે જેમને ગર્ભધારણ ન થતું હોય. આથી જ, આવાં  દરેક દર્દીઓને પોતાની ભવિષ્યની ગર્ભાવસ્થાની યોજના વિષે ચિંતા થતી હોય છે.

 

જો તમારી બેરિયાટ્રિક સર્જરી થઈ હોય અને તમે ગર્ભવતી બનવાનું વિચારી રહ્યાં હોવ, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ લેખમાં, અમે ગર્ભાવસ્થાના વિવિધ તબક્કાઓ અને પાસાઓ જેમ કે પ્રજનનક્ષમતા અને ગર્ભધારણ, ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતી વિશેષ કાળજી અને બાળકની ડિલિવરી તથા સગર્ભાવસ્થા પછીની સંભાળ પર બેરિયાટ્રિક સર્જરીની અસરો વિશે ચર્ચા કરીશું. આ દરેક પાસાં પર બેરિયાટ્રિક સર્જરીની અસર થવાની સંભાવના છે.

બેરિયાટ્રિક સર્જરી પછીની પ્રજનનક્ષમતા અને ગર્ભધારણ(fertility and conception)

  • બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા પછી સતત વજન ઘટતું રહે છે અને શરીરમાં સકારાત્મક રીતે હોર્મોનમાં  ફેરફાર થાય છે જેને કારણે પ્રજનનક્ષમતા વધે છે અને ગર્ભધારણની સંભાવના પણ વધે છે.
  • ઉપલબ્ધ માહિતી પરથી જાણવા મળે છે કે એવી યુવા સ્ત્રીઓ કે જે વ્યંધત્વથી પરેશાન હોય, તેમાંથી લગભગ 40-45 ટકા સ્ત્રીઓ મેદસ્વીતાથી પીડાતી હોય છે અને આ દરેક સ્ત્રીઓને બેરિયાટ્રિક સર્જરીથી પ્રજનનક્ષમતામાં સુધારો થવાની સંભાવના છે.
  • આ રીતે, બેરિયાટ્રિક સર્જરીની પ્રજનન અને ગર્ભાધાન પર સકારાત્મક અસર છે. બેરિયાટ્રિક સર્જરીને કારણે વ્યંધત્વ જેવી નવી સમસ્યા ઉદભવે તેવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
  • આપણે એકમાત્ર સાવધાની રાખવાની જે જરૂર છે તે એ છે કે આપણે બેરિયાટ્રિક સર્જરી પછીના 2 વર્ષ સુધી ગર્ભાવસ્થાને ટાળવી જોઈએ જેથી માતા અને બાળક ને પોષણની ઉણપ ના થાય.
  • બેરિયાટ્રિક સર્જરીના 2 વર્ષ પછી ગર્ભાવસ્થાની યોજના બનાવવી જોઈએ. અને બેરિયાટ્રિક સર્જરીના પહેલાં 2 વર્ષ દરમ્યાન ગર્ભનિરોધક સાધનોનો યોગ્ય રીતે કરી વિશેષ સાવધાની રાખવી જોઈએ.
  • એવા દર્દીઓ કે જેઓને લાંબા સમયથી વ્યંધત્વની સમસ્યા હોય, તેવા દર્દીઓને ગર્ભધારણની આશા ઓછી હોવાથી ગર્ભનિરોધકનો ઉપયોગને થોડી ઓછી ગંભીરતાથી લે છે.
  • પરંતુ, આ એક ખોટી રીત છે. અને મોટાભાગે, ઘણી બેરિયાટ્રિકની દર્દીઓ સર્જરી પછી ભૂલથી ગર્ભવતી થઈ જાય છે, જયારે તેને ગર્ભાવસ્થાની બિલકુલ ઈચ્છા હોતી નથી.
  • આથી, બેરિયાટ્રિક સર્જરી પછી ગર્ભનિરોધકને શરૂઆતના 1.5-2 વર્ષ માટે ખુબ ગંભીરતાથી લેવું જોઈએ. કારણકે આપણે એવું ઇચ્છતા નથી કે બેરિયાટ્રિક સર્જરી કરાવેલ દર્દી પોતાનાં વજન ઘટવાનાં શરૂઆતના તબક્કા દરમ્યાન ગર્ભધારણ કરે કે જયારે વજન ઘટવાનું હજું પણ ચાલું છે.

 

Related Posts

બેરિયાટ્રિક સર્જરી પછી ગર્ભાવસ્થાની પ્રગતિ અને સંભાળ

અન્ય સામાન્ય ગર્ભવતી મહિલા કે જેણે સર્જરી ના કરાવી હોય તેમ જ, બેરિયાટ્રિક સર્જરી કરાવેલ મહિલામાં પણ ગર્ભાવસ્થા આગળ વધે છે. તફાવત માત્ર એટલો જ હશે કે ગર્ભાવસ્થા દરમ્યાન વિશેષ તપાસ અને વધારે સંભાળ રાખવાની જરૂર હોય છે. વજન ઘટાડવાની સર્જરી કરાવનાર મહિલાઓને જરૂરી શક્તિ તથા પોષણની તપાસની ખાસ વિશેષ જરૂર હોય છે. જેમાં વિટામિન, આયર્ન તથા અન્ય મિનરલ્સની માત્રાની નિયમિત તપાસનો સમાવેશ હોય શકે છે.

જે મહિલાઓએ બેરિયાટ્રિક સર્જરી કરાવી હોય, તેઓમાં ગર્ભાવસ્થા દરમ્યાન વજન સ્વસ્થતાપૂર્વક વધે છે અને હાઈ બ્લડપ્રેસર, પ્રીક્લેમ્પ્સિઆ અને પ્રિમેચ્યોર ડીલીવરીની સંભાવના ઓછી રહે છે.

આથી જ, તમારી બેરિયાટ્રિક સર્જરી વિષે તમારાં ગાયનેકોલોજિસ્ટને અચૂક જાણ કરવાની તકેદારી રાખવાની ખાસ જરૂર છે. જેથી, તે આ બાબતને ધ્યાનમાં રાખીને તમારી સારવાર કરે.

એટલું જ નહીં, તમારી બેરિયાટ્રિક ટીમને પણ તમારી ગર્ભાવસ્થા વિષે જાણ કરવી જોઈએ અને તેમને તમારી ગર્ભાવસ્થાના સમયમાં સાથે રાખવા જોઈએ. જેથી, તેઓ તમારાં પોષણની માત્રાની વિગતવાર તપાસ વિષે સલાહ આપી શકે અને વિટામિન સપ્લીમેન્ટ્સ વિષે પોતાનો અભિપ્રાય આપી શકે. આ સિવાય, ગર્ભાવસ્થાના અન્ય પાસાઓ કોઈ સામાન્ય ગર્ભવતી મહિલા કે જેની કોઈ બેરિયાટ્રિક સર્જરી થઈ ના હોય તેના જેવાં જ હોય છે.

આ વિષયમાં વધુ જાણકારી માટે નીચે આપેલ લિન્ક પર ક્લીક કરી ડૉ ચિરાગ ઠક્કરને સાંભળો.

બેરિયાટ્રિક સર્જરી પછી ડીલીવરી અને બાળકનો જન્મ

બેરિયાટ્રિક સર્જરી કોઈપણ રીતે ગર્ભાવસ્થાના અંતિમ તબક્કાને એટલે કે બાળકના જન્મને કોઈ રીતે અસર કરતી નથી. યોગ્ય મેડિકલ મેનેજમેન્ટ સાથે, બેરિયાટ્રિક સર્જરી કરાવનાર કેટલીય મહિલાઓ સ્વસ્થ ગર્ભધારણ અને ડીલીવરી કરી શકતી હોય છે.

બેરિયાટ્રિક સર્જરીથી બાળકની ડિલીવરીને કોઈ અસર થતી નથી અને તે કોઈ અન્ય ગર્ભવતી મહિલાની ડિલીવરી જેવી જ હોય છે. એવી મહિલાઓ કે જેમણે  બેરિયાટ્રિક સર્જરી કરાવી હોય તેઓની ડિલીવરી વિષે કહીએ તો, ગર્ભાવસ્થા નોર્મલ ડિલીવરી સાથે કે સિઝેરિયન સેક્શન સાથે સમાપ્ત થશે તે ગર્ભાવસ્થાના અન્ય પાસાંઓ અને તેમના સ્વાસ્થ્ય પર નિર્ભર કરશે. જે મહિલાઓની બેરિયાટ્રિક સર્જરી થઈ છે તેઓની ગર્ભાવસ્થા દરમ્યાન તેમનાં પોષક તત્વોનાં સ્તરની જીણવટપૂર્વક તપાસ કરવી ખુબ જરૂરી છે અને તેમણે સપ્લીમેન્ટ લેવાની જરૂરત પણ પડી શકે છે જેથી તેઓને ખાતરી રહે કે તેમને પોતાને અને ગર્ભમાં ઉછરી રહેલ બાળકને પૂરતું પોષણ મળે છે.
રિસર્ચ અનુસાર બેરિયાટ્રિક સર્જરી કરાવાવાળી મહિલાઓ એ જન્મ આપેલાં શિશુમાં જન્મ સમયે અધિક વજન હોવાની સંભાવના ઘણી ઓછી હોય છે, આથી ડિલીવરી સમયે ઉદ્ભવતી સમસ્યાઓનો ખતરો પણ ઓછો રહે છે.
બેરિયાટ્રિક સર્જરી પછી નોર્મલ ડિલીવરી અને સિઝેરિયન સેક્શન બન્નેય યોગ્ય હોય છે અને સામાન્ય રીતે જ તેમનાં માટે આગળ વધી શકાય છે. કોઈપણ ગર્ભવતી મહિલાની સામાન્ય રીતે લેવાતી સંભાળની જેમજ તેમની પણ સંભાળ લેવાની હોય છે. એ સિવાય કોઈ વિશેષ ચિંતા કે દેખભાળની જરૂર હોતી નથી.

બેરિયાટ્રિક સર્જરી કરાવેલ મહિલાની ગર્ભાવસ્થા પછીની સંભાળ (Post -Pregnancy Care)

બેરિયાટ્રિક સર્જરી પછી જે મહિલાઓની ડિલીવરી થાય છે, તેમના માટે ડિલીવરી પછી યોગ્ય સંભાળ મળવી, સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ તથા શ્રેષ્ઠ પરિણામો ખાતરીપૂર્વક મેળવવા માટે જરૂરી છે.બેરિયાટ્રિક સર્જરી પછીની ગર્ભાવસ્થા પછીની સંભાળ માટે અહીં કેટલાંક સૂચનો આપવામાં આવ્યા છે:

તમારી બેરિયાટ્રિક સર્જિકલ ટિમ સાથે ફોલો-અપ કરો

બેરિયાટ્રિક સર્જિકલ ટીમ સાથે ફોલો-અપ

ડિલીવરી પછી તમારાં બેરિયાટ્રિક સર્જિકલ ટીમ સાથે અપોઈન્ટમેન્ટ લઈ ફોલો-અપ કરાવવું ખુબ આવશ્યક છે જેથી તમારા વજન અને પોષણની સ્થિતિની તપાસ કરી શકાય અને આવશ્યકતા અનુસાર તમારા આહાર અને વ્યાયામમાં ફેરફાર કરી શકાય. આ ઉપરાંત, બેરિયાટ્રિક સર્જરી પછી દર્દીઓએ એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ગર્ભાવસ્થા દરમ્યાનનું એમનું વધી ગયેલ વજન યોગ્ય રીતે ઘટી જાય.

તમારાં પોષણનું ધ્યાન રાખો


બેરિયાટ્રિક સર્જરી કેટલાંક પોષક તત્વોનું શોષણ ઓછું કરી શકે છે, આથી ગર્ભાવસ્થા દરમ્યાન અને ગર્ભાવસ્થા પછી પણ પોતે પોષણક્ષમ આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા ન્યુટ્રિશનિસ્ટ તમારા અને તમારા બાળકના પૂરતાં પોષણ માટે આયર્ન, કેલ્શિયમ અને વિટામિન ડી  જેવા સપ્લિમેન્ટ્સ ની સલાહ આપી શકે છે.

નિયમિત વ્યાયામ કરો


નિયમિત વ્યાયામ વજન ઘટાડવામાં, હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં, અને ગર્ભાવસ્થા સંબધિત ડાયાબિટીસ તથા અન્ય સમસ્યાઓનાં જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમ છતાં, બેરિયાટ્રિક સર્જરી પછી નિયમિત વ્યાયામ શરૂ કરતાં  કે તેને ચાલુ રાખતાં  પહેલાં તમારી બેરિયાટ્રિક સર્જીકલ ટીમની સલાહ લેવી મહત્વની છે.

પોતાની સંભાળ સારી રીતે કરો

બેરિયાટ્રિક સર્જરી પછી બાળકને જન્મ આપ્યા પછી, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે પોતાની સંભાળ સારી રીતે કરવી મહત્વપૂર્ણ છે. એમાં પૂરતી ઊંઘ લેવી, પૌષ્ટિક આહાર લેવો, તણાવ ઘટાડે તેવી પ્રવૃતિઓ કરવી વગેરેનો સમાવેશ થાય છે અને તેનાં માટે મિત્રો, પરિવાર અને સ્વાસ્થ્ય સેવા પ્રદાનકર્તાઓ (હેલ્થ કેર પ્રોવાઇડર)ની સહાયતા પણ લઈ શકાય છે.

તમારાં સ્વાસ્થ્ય સેવા પ્રદાનકર્તાઓ (હેલ્થ કેર પ્રોવાઇડર) સાથે મળીને કાર્ય કરીને, તમારાં સપ્લિમેન્ટ્સ નિયમિત લઈને, પૌષ્ટિક આહાર ખાઈને, તમારાં વધતા વજન પર નજર રાખીને, તથા સતત સક્રિય રહીને તમે એક સ્વસ્થ ગર્ભાવસ્થા અને સ્વસ્થ શિશુ ખાતરીપૂર્વક પામી શકો છો. જો તમે બેરિયાટ્રિક સર્જરી પછી ગર્ભાવસ્થાનો વિચાર કરી રહ્યા હો તો તમારી બેરિયાટ્રિક સર્જિકલ ટીમ સાથે વાત કરો અને તમારા માટે યોગ્ય હોય તેવી યોજના તૈયાર કરો.